થાણેના ગુજરાતી દુકાનદાર પાસેથી બે લાખની ખંડણી માગનારા બે નકલી RTI કાર્યકર્તા ઝડપાયા

15 March, 2026 08:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપીઓએ આ પ્રકારની ખંડણી અન્ય કોઈ વેપારીઓ પાસેથી પણ લીધી છે કે નહીં એ વિશે તપાસ ચાલી રહી છે

પ્રતીકાત્મક તસવીર

થાણેની ગૌરવ સ્વીટ્સ ઍન્ડ નમકીનના ૫૮ વર્ષના માલિક વિરલ પટેલ પાસેથી ખંડણી માગવાના આરોપમાં શુક્રવારે થાણે વાગળે અેસ્ટેટ ક્રાઇમ બ્રાન્ચ યુનિટે અક્ષય કરંજાવકર અને સુશાંત સુર્વેની ધરપકડ કરી હતી. રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI)ના કાર્યકર્તા કરીકે ઓળખ આપનાર આરોપીઓએ દુકાન બહાર લગાવવામાં આવેલા સ્ટૉલને મુદ્દો બનાવી કાર્યવાહી કરાવવાની ધમકી આપીને પાંચ લાખ રૂપિયાની ખંડણી માગી હતી એટલું જ નહીં, દર મહિને અમુક રકમ આપો નહીં તો ફરિયાદ કરીને કાર્યવાહી કરાવીશું એમ કહી ધમકાવવામાં આવ્યા હતા. અંતે વેપારીએ પોલીસ-ફરિયાદ કરી હતી.

થાણે વાગળે એસ્ટેટ ક્રાઇમ બ્રાન્ચ યુનિટના સિનિયર ઇન્સ્પેક્ટર સલીલ ભોસલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણેના માનપાડા વિસ્તારમાં આવેલી દુકાને આરોપી અક્ષય કરંજાવકર આવ્યો હતો. તેણે પોતે RTI કાર્યકર્તા હોવાનું કહી દુકાન બહાર લગાવેલા સ્ટૉલના ફોટો પાડ્યા અને જણાવ્યું કે સ્ટૉલના કારણે નાગરિકોને તકલીફ પડે છે. સાથે જ તેણે TMCમાં ફરિયાદ કરીને દુકાન પર કાર્યવાહી કરાવવાની ધમકી આપી હતી. બાદમાં તેણે ‘દર મહિને અમુક રકમ આપો, નહીં તો ફરિયાદ કરીને કાર્યવાહી કરાવીશું’ કહીને ખંડણી માગવાનું શરૂ કર્યું હતું. દુકાન માલિક વિરલ પટેલે શરૂઆતમાં પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો છતાં આરોપીએ TMCમાં અરજી કરીને તેને સતત પરેશાન કર્યો હતો. આ દરમિયાન ૧૮ ફેબ્રુઆરીએ સુશાંત સુર્વેએ વિરલ પટેલને વૉટ્સઍપ કૉલ કરીને અક્ષય કરંજાવકર સાથે સમાધાન કરાવવાની ઑફર કરી હતી. શરૂઆતમાં આરોપીઓએ પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. આ ઘટનાથી પરેશાન થયેલા વિરલ પટેલે આખરે અમારી પાસે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ અમે આરોપીઓને પકડવા માટે યોજના બનાવી હતી. આરોપીને પકડવા વસંત વિહાર વિસ્તારમાં છટકું ગોઠવી શુક્રવારે સાંજે બે લાખ રૂપિયાની ખંડણી લેતાં જ બન્નેને રંગેહાથ ઝડપી લીધા હતા. આરોપીઓએ આ પ્રકારની ખંડણી અન્ય કોઈ વેપારીઓ પાસેથી પણ લીધી છે કે નહીં એ વિશે તપાસ ચાલી રહી છે.’

mumbai news mumbai thane crime thane crime branch thane municipal corporation