મજાકમસ્તીમાં થઈ ગયું મોત

05 December, 2021 08:27 AM IST  |  Mumbai | Mehul Jethva

ભિવંડીની એક પાવરલૂમમાં ૩૨ વર્ષના યુવાનની ટૉઇલેટની જગ્યાએ તેના મિત્રોએ ઍર-પ્રેશર પમ્પ નાખી દેતાં થયું મૃત્યુ. પોલીસે કરી બન્ને ફ્રેન્ડની ધરપકડ

મૃત્યુ પામનાર અબ્દુલ અન્સારી

ભિવંડીના કટઇગાંવ વિસ્તારમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કટઇગાંવ વિસ્તારમાં આવેલી સિલ્ક પાવરલૂમમાં કામ કરતા બે યુવાનોએ મજાકમસ્તીમાં તેમની સાથે કામ કરતા અન્ય એક યુવાનની ગુદામાં ઍર-પ્રેશર મશીનનો પાઇપ નાખીને મશીન ચાલુ કરી દીધું હતું. થોડી જ વારમાં યુવાનના પેટમાં દુખાવો થતાં તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો. જોકે પાંચ દિવસના ઇલાજ પછી યુવાનનું મૃત્યુ થયું હતું. નિઝામપુરા પોલીસે ઘટનાની ફરિયાદ નોંધીને મજાક કરનાર બન્ને મિત્રની ધરપકડ કરી છે.
ભિવંડીના કટઇગાંવ વિસ્તારમાં આવેલી સિલ્ક પાવરલૂમમાં સાફસફાઈનું કામ કરતા ૩૨ વર્ષના અબ્દુલ રફીક અન્સારી સાથે મિલમાં જ કામ કરતા મિત્રો મુન્ના અને બિટ્ટુ કુમાર મજાકમસ્તી કરતા હતા. અચાનક મુન્નાએ મસ્તીમાં નજીકમાં પડેલા ઍર-પ્રેશર મશીનનો પાઇપ લીધો હતો અને અબ્દુલની ગુદામાં નાખવાનો પ્રયાસ કર્યો હતો. એમાં બિટ્ટુએ અબ્દુલનું પૅન્ટ કાઢ્યું હતું. બન્નેએ માત્ર મસ્તી કરવા માટે એ પાઇપ અબ્દુલની ગુદામાં નાખ્યો હતો અને થોડી વાર એ પાઇપ અંદર રાખીને અબ્દુલ સાથેની મસ્તી પૂરી કરી હતી. આ ઘટનાની થોડી જ વારમાં અબ્દુલને પેટમાં દુખાવો શરૂ થયો હતો એટલે તે ઘરે ચાલ્યો ગયો હતો. એ પછી તેને હૉસ્પિટલમાં ઇલાજ માટે લઈ જવામાં આવતાં તેની હાલત ક્રિટિકલ હોવાથી આઇસીયુમાં રાખવામાં આવ્યો હતો. પાંચ દિવસના ઇલાજ પછી બીજી ડિસેમ્બરે તેનું મૃત્યુ થયું હતું. એ પછી નિઝામપુરા પોલીસે મજાકમસ્તી કરનારા બન્ને મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરી છે.
આ ઘટનાની માહિતી આપતાં અબ્દુલના સાઢુભાઈ શાહબુદ્દીન મન્સુરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અબ્દુલને પહેલેથી જ શાંત રહેવાની આદત હતી. કોઈ દિવસ તે કોઈની સાથે મસ્તી કરતો નહોતો. એ દિવસે પણ તેણે સામેથી મસ્તી નહીં કરી હોય. તેના ત્રણ છોકરાઓ નાના છે. તેના ઘરમાં બીજું કોઈ કમાવાવાળું નથી. આ ઘટના પછી તેનો પરિવાર રોડ પર આવી ગયો છે.’
નિઝામપુરા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી સચિન કુંભારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ઘટનામાં વપરાયેલું ઍર-પ્રેશર મશીન જપ્ત કર્યું છે. એ સાથે બન્ને આરોપીઓ સામે કલમ ૩૦૪ (બેદરકારીને કારણ કોઈ વ્યક્તિના મૃત્યુ માટે જવાબદાર) હેઠળ ફરિયાદ નોંધીને બન્નેની ધરપકડ કરી છે.’

mumbai mumbai news bhiwandi mehul jethva