15 December, 2025 04:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-ઈસ્ટના રાજાવાડી નજીક રહેતા પંચાવન વર્ષના ટ્રાન્સપોર્ટના વેપારીએ શૅરમાર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રૉડમાં ૧,૪૫,૭૯,૮૮ રૂપિયા ગુમાવ્યા હતા અને ચેમ્બુરના રોડ-નંબર ૧૫ પર રહેતા ૪૧ વર્ષના ગુજરાતી યુવકે ૮૬,૮૫,૦૦૦ રૂપિયા ગુમાવ્યા હતા. બન્ને કેસમાં ઈસ્ટર્ન સાઇબર સેલે અલગ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. સપ્ટેમ્બરની શરૂઆતથી ઇન્વેસ્ટમેન્ટ કરવાના નામે સાઇબર ગઠિયાઓએ પૈસા લીધા હતા. તાજેતરમાં ઇન્વેસ્ટ કરેલા પૈસા અને પ્રૉફિટની રકમ કઢાવવા જતાં તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે સંબંધિત
બૅન્ક-અકાઉન્ટ સીલ કરી દીધાં છે. એ ઉપરાંત ટ્રાન્સફર કરવામાં આવેલી બૅન્ક-અકાઉન્ટની માહિતી કઢાવી રહ્યા છે.
મહિને ૨૦ ટકા નફો લેવાના ચક્કરમાં ઘાટકોપરના વેપારી છેતરાઈ ગયા
ઈસ્ટર્ન સાઇબર સેલના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપરના ટ્રાન્સપોર્ટના વેપારીને ફેસબુક પર એક મહિલાએ ફ્રૅન્ડ-રિક્વેસ્ટ મોકલીને વાત કરવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં સામાન્ય વાતો કર્યા બાદ મહિલાએ વેપારીને શૅરમાર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા સંદર્ભની માહિતી આપી એક મહિનામાં ૨૦ ટકા રિટર્ન મળતું હોવાનો દાવો કરી એક-બે સ્ક્રીન-શૉટ શૅર કર્યા હતા. એ પછી મહિલા પર વિશ્વાસ રાખીને વેપારી ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર થતાં ૨૫ સ્પટેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધીમાં વેપારી પાસેથી ઇન્વેસ્ટમેન્ટના નામે ૧,૪૫,૭૯,૮૮ રૂપિયા લેવામાં આવ્યા હતા. જ્યારે વેપારીએ પોતાની મૂળ રકમ અને પ્રૉફિટની રકમ પાછી મેળવવાની કોશિશ કરી ત્યારે તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.’
ચેમ્બુરના ગુજરાતીએ લાલચમાં આવીને વર્ષોથી ભેગા કરેલા રૂપિયા ગુમાવ્યા
ઈસ્ટર્ન સાઇબર સેલના અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચેમ્બુરમાં રહેતા IT કંપનીના સિનિયર એન્જિનિયરને જાણીતી ફાઇનૅન્શિયલ કંપનીના વૉટ્સઍપ-ગ્રુપમાં ઍડ કરવામાં આવ્યા હતા. સતત એમાં ભારે પ્રૉફિટ મળ્યો હોવાના દાવા કરતા મેસેજ અનેક લોકો પોસ્ટ કરતા હતા એ જોઈને ગ્રુપ-ઍડ્મિન મીરા જોશીને વાત કરી. એ પછી તેમના પર વિશ્વાસ બેસતાં એન્જિનિયરે ૧૧ સ્પટેમ્બરથી ૮ ડિસેમ્બર સુધી ૮૬,૮૫,૦૦૦ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા. તાજેતરમાં એ પૈસા કઢાવવાની કોશિશ કરી ત્યારે મૂળ અને પ્રૉફિટ થયેલી રકમ પર ૩૦ ટકા ટૅક્સ ભરવાનું કહેવામાં આવ્યું ત્યારે છેતરપિંડી થયાનો ખુલાસો થયો હતો. એ પછી ઘટનાની ફરિયાદ નોંધવામાં આવી હતી.’