02 March, 2026 07:29 AM IST | Mumbai | Rohit Parikh
દીક્ષાર્થી બહેનો (ડાબેથી) ડૉ. આયુષી જૈન અને CA યુક્તા જૈન.
માનવીના જીવનમાં અચાનક એક એવો ટર્નિંગ પૉઇન્ટ આવે છે જે તેના જીવનને સાર્થક કરી દે છે. આવો જ એક ટર્નિંગ પૉઇન્ટ ગ્રાન્ટ રોડના મારવાડી સમાજની બે બહેનોના જીવનમાં આવ્યો છે, જેને પગલે તેમણે તેમના ઓરિજિનલ પ્રોફેશન અને સપનાંઓને સંયમમાર્ગે વાળી દીધાં છે. મુંબઈના આધુનિક જીવનના રંગે રંગાયેલી ૨૫ વર્ષની ડૉ. આયુષી જૈન અને તેની ૨૪ વર્ષની ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) બહેન યુક્તા જૈન ૪ માર્ચે તાડદેવમાં ગુરુદેવ ગચ્છાધિપતિ રાજશેખરસૂરિ મહારાજસાહેબના હસ્તે રજોહરણ ગ્રહણ કરીને સંયમમાર્ગ તરફ પ્રયાણ કરશે. તેમના જીવનમાં પરિવર્તન લાવવાનું શ્રેય આયુષી અને યુક્તા તેમનાં માતા-પિતાના સંસ્કાર અને તેમની પરવરિશને આપે છે.
આયુષી અને યુક્તાના પપ્પા ઘડિયાળનો ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ કરે છે. ડૉ. આયુષી જૈન ફિઝિયોથેરપિસ્ટ છે. તેણે થોડાં વર્ષ પહેલાં મિની સાધુજીવન જેવા ઉપધાન તપની આરાધના કર્યા પછી ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરવાને બદલે સંયમમાર્ગે જવાનું પસંદ કર્યું હતું, જ્યારે યુક્તાને કોવિડકાળમાં આધ્યાત્મિક માર્ગની મહત્તા સમજાઈ હતી. તેને એક એવો ખ્યાલ આવ્યો કે જીવનમાં સાચી ખુશી અને અર્થસભર લાઇફ પૈસા, પોઝિશન અને પ્રોફેશનમાં મળેલી સફળતા કરતાં આધ્યાત્મિક ઉન્નતિ પર વધુ નિર્ભર કરે છે એટલે તેણે ચાર્ટર્ડ અકાઉન્ટન્સીની પ્રૅક્ટિસ કરીને કરીઅર બનાવવાને બદલે દીક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય લીધો છે.
જિતેન્દ્ર જૈન અને વિમળાદેવીને ૩ પુત્રીઓ અને એક પુત્ર છે. મારવાડી સમાજમાં આ પરિવાર ધર્મમય વાતાવરણ સાથે વેલ-એજ્યુકેટેડ છે. આયુષી અને યુક્તા પછીની તેમની ત્રીજી પુત્રી સાનિયા અત્યારે કંપની સેક્રેટરી સાથે લૉનો અને પુત્ર દિવ્ય IT એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યાં છે. વિમળાદેવી ઘરમાં નાનપણથી જ તેમનાં સંતાનોમાં ધાર્મિક સંસ્કારનું સિંચન કરતાં હતાં અને તેમને ધાર્મિક વાર્તાઓ કહીને મોટાં કર્યાં હતાં. તેઓ પર્યટનસ્થળોએ ફરવા લઈ જવાને બદલે તેમનાં સંતાનોને ધાર્મિક સ્થળોએ જ ફરવા લઈ જતાં હતાં. ઘરમાં ફ્રી વાતાવરણ ખરું, પણ રાતના ૧૦ વાગ્યા પછી દીકરીઓ આજે પણ ઘરની બહાર જઈ શકતી નથી. મુંબઈની નાઇટ-લાઇફ તેમને જવલ્લે જ માણવા મળી હશે. સંપૂર્ણ પરિવાર વ્યસનોથી દૂર છે.
નાનપણમાં જ દીક્ષાના ભાવ જાગ્યા
આવા પરિવારની મોટી પુત્રી આયુષીએ તેના જીવન-પરિવર્તન વિશેની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક પ્રસંગમાં દીક્ષાર્થીને ઓઘો લઈને નાચતી જોઈને અમે પણ એક દિવસ આવી જ રીતે ઓઘો લઈને નાચીશું એવા ભાવ અમને બન્ને બહેનોને જાગ્યા હતા. જોકે ત્યાર પછી હું ૭ વર્ષ સુધી જાણે સંસારના રંગમાં રંગાઈ ગઈ હતી અને મને મુંબઈની હવા લાગી ગઈ હતી. હું વેસ્ટર્ન કલ્ચર અપનાવીને વેબ-સિરીઝ પાછળ પાગલ બની ગઈ હતી. મારે કૉલેજમાં બૅચલર થયા પછી માસ્ટર્સ કરવા અમેરિકા જવું હતું. પૈસા અને ફેમ-ઓરિયેન્ટેડ પ્લાન સાથે અમેરિકામાં સેટલ થવાનો મારો વિચાર હતો, પરંતુ મારાં માતા-પિતાએ મને સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. અમેરિકાની વાત તો દૂર રહી, દેશની ધરતી પર દિલ્હી અને પુણે જવા દેવાની પણ તેમની તૈયારી નહોતી. જેટલું ભણવું હોય એટલું ભણ, પણ મુંબઈમાં જ એવો તેમનો આગ્રહ હતો. મારા અહંકારને બદલવા માટે મારી મમ્મીએ જૈનોમાં જેને મિની સાધુજીવન કહેવાય છે એ ઉપધાન કરવા માટે મને મોકલી દીધી અને સાથે સલાહ પણ આપી હતી કે જાય છે તો હવે તારા જીવનને પરિવર્તિત કરીને આવજે.’
સાધુજીવનમાં વધુ પ્રૉફિટ
ત્યાર પછી મેં એવી લાઇફ જોઈ જેમાં સાદગી અને સંસારની સચ્ચાઈ સામે આવી ગઈ એમ જણાવીને આયુષીએ કહ્યું હતું કે ‘આજે કોઈને ભણ્યા પછી કોઈ મોટી પોઝિશન પર જવાની ઇચ્છા હોય અને તેને એ પોઝિશન મળી જાય, કોઈને એમ્પ્લૉઈમાંથી સીધું વાઇસ-પ્રેસિડન્ટના પદ માટે પ્રમોશન મળી જાય તો તે વ્યક્તિ જેમાં પ્રૉફિટ વધુ હોય એ માર્ગને અપનાવી લે એવી જ હાલત મારી થઈ ગઈ હતી. માસ્ટર્સની ડિગ્રી કરતાં મને સાધુપદમાં વધુ પ્રૉફિટ નજર આવ્યો એટલે થયું કે આ પદને જ સ્વીકારવું જોઈએ. એટલે ડૉક્ટર બનીને સમાજની સેવા કરવાને બદલે પોતાના આત્માને તારવા અને મોક્ષમાર્ગી બનવા સ્વાર્થી બનીને સંયમમાર્ગે જઈને સાધુ બનવાનો નિર્ણય લીધો. એક સારી હૉસ્પિટલમાં ડૉક્ટર તરીકે સેવા આપીને કદાચ હું મર્યાદિત લોકોની સેવા કરી શકી હોત, જ્યારે જિનશાસન એક એવી મોટી હૉસ્પિટલ છે જ્યાં જઈને હું અહિંસા પરમો ધર્મ અપનાવીને ૧૪ રાજલોકોના અસંખ્ય જીવોને અભયદાન આપી શકીશ. ડૉક્ટર બનીને હું અમુક મર્યાદિત સમય માટે સફેદ વસ્ત્રો પરિધાન કરી શકી હોત, જ્યારે પ્રભુના શાસનના સેવક તરીકે સાધુજીવનમાં હું જીવનપર્યંત સફેદ વસ્ત્રો પહેરીને અનેક આત્માઓને તારવા સમર્થ બનીશ.’
અહંકારીમાંથી આજ્ઞાકારી
ભૌતિક સુખથી આકર્ષિત બનેલી અહંકારી આયુષી હવે ગુરુઆજ્ઞામાં જીવન જીવીને આજ્ઞાકારી આયુષી બનવા જઈ રહી છે એમ જણાવતાં આયુષીએ કહ્યું હતું કે આજે ફિઝિકલ હેલ્થ કરતાં મેન્ટલ હેલ્થ (સમાધિ) સૌથી મોટો ધર્મ છે જેને હું દીક્ષા લઈને પોતે તો જીવનમાં ઉતારીશ અને સાથે અનેક આત્મામાં પણ આ મંત્રનો ફેલાવો કરીશ. ૪ માર્ચે મારા ગુરુદેવ ગચ્છાધિપતિ રાજશેખરસૂરિ મહારાજસાહેબ રજોહરણ દાન કરીને મારા જીવનમાં એક નવો અધ્યાય લખશે. મારી ગુરુમૈયા શીલગુણાશ્રીજી અને શીલભદ્રાશ્રીજીની નિશ્રામાં સમપર્ણતા અને સરળતાનું જીવન જીવવાની શરૂઆત કરીશ. તમે જીવનમાં કેટલું જીવ્યા એ મહત્ત્વનું નથી, કેવું જીવન જીવ્યા એ મહત્ત્વનું છે.’
કોવિડકાળ બન્યો ટર્નિંગ પૉઇન્ટ
આયુષીની જેમ જ તેની નાની બહેન યુક્તા પણ એક દીક્ષાપ્રસંગ જોયા પછી શાંત, શિસ્તબદ્ધ અને આધ્યાત્મિક લાઇફથી આકર્ષિત થઈ ગઈ હતી. જોકે મુંબઈના મૉડર્ન કલ્ચરમાં મોટી થવાથી તેણે પણ શરૂઆતમાં ફોકસ એજ્યુકેશન અને કરીઅર પર જ કર્યું હતું. તેને જીવનમાં કંઈક અચીવ કરીને સ્વતંત્ર બનવું હતું. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બન્યા પછી તેને એ ફીલ્ડમાં વધુ ઊંડાણ અને વિવિધતાનું જ્ઞાન મેળવવા માટે પ્રેરિત કરી હતી.
યુક્તા જૈને આ જાણકારી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા માટે એક સ્વતંત્ર છોકરી બનવા માટે આ એક પર્ફેક્ટ પસંદગી હતી. એમાં કોઈ શંકા નથી કે ધર્મ હંમેશાં મારા જીવનનું એક અવિભાજ્ય અંગ હતો. નાનપણથી જ માતા-પિતાએ ધર્મની બેઝિક વૅલ્યુઝ, પ્રાર્થના, સેવાપૂજાના સંસ્કાર આપ્યા હતા. લૉકડાઉનના સમયમાં હું આધ્યાત્મિકતા તરફ વળી ગઈ હતી. એ સાથેના મારા મજબૂત કનેક્શનને કારણે મને દીક્ષાના ભાવ જાગ્યા હતા. હું સંયમમાર્ગ તરફ જવા માટે ગંભીર બની ગઈ હતી. આમ છતાં કરીઅર પ્રત્યે મારું સમર્પણ, મારા કામ પ્રત્યે મારા પૅશનમાં કોઈ ફરક પડ્યો નહોતો. જીવનમાં અચીવ કરવાના મારા મનોરથ આજના યુગમાં અકબંધ હતા.’
સંયમનો સરળ અર્થ કન્ટ્રોલ
પ્રોફેશનલ જીવનમાં શિસ્ત વગર લક્ષ્ય સુધી પહોંચવું એટલું સરળ નથી એમ જણાવતાં યુક્તા જૈને કહ્યું હતું કે ‘સંયમનો સરળ અર્થ છે કન્ટ્રોલ. સંયમ ફક્ત જીવન પર નિયંત્રણ રાખતા નહીં પણ મન, વચન અને કાયા પર પણ કન્ટ્રોલ કરતાં શીખવે છે. આજે વિશ્વ આર્થિક ઉન્નતિની સાથે હૅપીનેસ ઇન્ડેક્સ પર પણ ફોકસ કરી રહ્યું છે. મને મારા અંગત જીવનમાં સરખામણી કરતાં લાગ્યું કે સાચી ખુશી અને મીનિંગફુલ લાઇફ પૈસા, પોઝિશન અને પ્રોફેશનલ સફળતા કરતાં આધ્યાત્મિક ઉન્નતિ પર વધુ નિર્ભર કરે છે.’