રજનીકાંતની ડૉટરનો રોલ આપીશું કહીને ફ્રૉડ

03 October, 2022 10:06 AM IST  |  Mumbai | Mehul Jethva

દહિસરની ૨૦ વર્ષની યુવતી પાસેથી બે ગઠિયાએ જુદી-જુદી ફીના બહાને દસ લાખ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી

રજનીકાંત

દહિસરમાં રહેતી સાધારણ ઘરની ૨૦ વર્ષની યુવતીને નવી ફિલ્મમાં રજનીકાંતની પુત્રીનો રોલ આપવાની લાલચ આપીને બે ગઠિયાએ તેની સાથે ૧૦.૩૧ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. યુવતીને ઈ-મેઇલ અને વૉટ્સઍપ પર ફિલ્મમાં સિલેક્ટ થવાની માહિતી આપીને પાસપોર્ટ ફી, ફોરેક્સ કાર્ડ ફી, સિનેમા પ્રોજેક્ટ કાર્ડ ફી જેવાં અલગ-અલગ કારણો આપી છેલ્લા એક મહિનામાં છેતરપિંડી કરીને ગઠિયાઓએ પૈસા પડાવ્યા હતા. જોકે એ પછી પણ કોઈ પ્રકારનો રોલ ન મળતાં છેતરપિંડીનો શિકાર થયેલી યુવતીએ દહિસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

દહિસર-ઈસ્ટના રાવલપાડા વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષની જાનવી રોકડેએ કરેલી ફરિયાદ અનુસાર તેણે બે ફિલ્મમાં સાઇડ રોલ કર્યો છે. સાતમી જૂને તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આરસી-૧૫ નામની ફિલ્મ માટે કાસ્ટિંગ થતું હોવાનું જાણવા મળ્યું હતું. એમાં મુખ્ય ભૂમિકા કિયારા અડવાણી અને રામચરણની હોવાનું લખ્યું હતું. એટલે જાનવીએ પણ ફિલ્મમાં રોલ મેળવવા માટે આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. એટલે તેને કાસ્ટિંગ ડિરેક્ટર પિયુષ જૈનનો ફોન આવ્યો હતો. તેણે પોતાની પ્રોડક્શન કંપની વ્યંકટેશ્વરા ક્રિએશન અને તેની ઑફિસ હૈદરાબાદમાં હોવાનુ કહ્યું હતું. એ પછી પિયુષે એક મોબાઇલ લિન્ક જાનવીને મોકલી હતી અને એના પર તમામ માહિતી ભરવા અને તેનો ફોટો અપલોડ કરવા કહ્યું હતું. તમામ માહિતી ભર્યાના બે દિવસ બાદ પિયુષે ફોન કરીને કહ્યું હતું કે તું આરસી-૧૫ ફિલ્મ માટે સિલેક્ટ થઈ ગઈ છે. એ સાથે જાનવીના ઈ-મેઇલ આઇડી પર શૂટિંગ માટે ૪૫ દિવસ આપવાનું અને એક દિવસના ૭૦,૦૦૦ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હોવાની એક મેઇલ મોકલવામાં આવી હતી. એ પછી મંથન રૂપારેલ નામના યુવકે જાનવી પાસેથી પ્રોજેક્ટ કાર્ડ, પાસપોર્ટ, વિઝા જેવાં અલગ-અલગ કારણો આપીને એક મહિનામાં આશરે ૧૦.૩૧ લાખ રૂપિયા પડાવ્યા હતા. એ પછી પણ શૂટિંગ માટેની કોઈ માહિતી ન મળતાં અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતાં તેણે વ્યંકટેશ્વરા ક્રિએશનની વધુ માહિતી કાઢતાં એ કંપની બોગસ હોવાની જાણ થઈ હતી. એટલે તેણે પોતાની સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ દહિસર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

દહિસર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રવીણ પાટીલનો ‘મિડ-ડે’એ સંપર્ક કરતાં તેમનો કોઈ અભિપ્રાય મળી શક્યો નહોતો. અન્ય એક અધિકારીએ ‘મિડ-ડેને’ કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે. હાલમાં કોઈ આરોપીની અમે ધરપકડ કરી નથી.’

mumbai mumbai news Crime News dahisar rajinikanth mehul jethva