19 April, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાળાસાહેબ ઠાકરે
વિધાનસભાની ચૂંટણીમાં રકાસ થયા બાદ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (UBT)ની શિવસેનાએ હવે આવી રહેલી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીઓ અને અન્ય મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને શિવસૈનિકોમાં જોશ જગાડવા નાશિકની સભા દરમ્યાન શિવસેનાના સંસ્થાપક દિવંગત બાળ ઠાકરેનો અવાજ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી રીક્રીએટ કરી એના મારફત સ્પીચ રાખી હતી, જેમાં બાળ ઠાકરેએ એકનાથ શિંદેની સેના અને ભારતીય જનતા પાર્ટી (BJP)ને આડે હાથે લીધી હતી. જોકે શિવસેના (UBT)ના આ પ્રયાસને BJPના સ્ટેટ પ્રેસિડન્ટ ચંદ્રકાન્ત બાવનકુળેએ બાળકબુદ્ધિ ગણાવ્યો હતો.
AI દ્વારા તૈયાર કરાયેલી આ ૧૩ મિનિટની સ્પીચમાં બાળ ઠાકરેએ લાક્ષણિક અદામાં ભાષણની શરૂઆત કરી હતી. જમલેલ્યા માઝ્યાં તમામ હિન્દુ બાંધવાંનો, ભગિનીંનો આણિ માતાનોં; આ સાંભળી શિવસૈનિકો ચોંકી ઊઠ્યા હતા. શિવસેના (UBT)દ્વારા એવુ કહેવાયું હતું કે જો આજે બાળાસાહેબ ઠાકરે જીવતા હોત તો તેઓ શું કહેત એમ કહી આ સ્પીચ તૈયાર કરવામાં આવી હતી.
BJPના સ્ટેટ પ્રેસિડન્ટ ચંદ્રકાન્ત બાવનકુળેએ આ બાબતે સોશ્યલ મીડિયા પર કહ્યું હતું કે ‘લજ્જાસ્પદ, જ્યારે કોઈ તેમનો અવાજ સાંભળતું નથી ત્યારે UBT જેવું ગ્રુપ જ આવી બાલિશ હરકત કરી શકે, બાળાસાહેબના અવાજમાં પોતાના મુદ્દા રજૂ કરી શકે.’