18 October, 2025 12:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દાદરના શિવાજી પાર્કમાં MNSના દીપોત્સવના ઉદ્ઘાટનમાં એક કારમાં આવતા તથા ત્યાર બાદ મંચ પર ઉદ્ધવ અને રાજ ઠાકરે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા શિવાજી પાર્ક પર ૧૩મી વખત આયોજિત દીપોત્સવનું ગઈ કાલે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગઈ કાલે પહેલી વાર ઉદ્ધવ ઠાકરે દીપોત્સવમાં આવ્યા હતા એટલું જ નહીં, તેમણે દીપોત્સવનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ અવસરે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના પરિવારજનો પણ હસી-ખુશી એકબીજાને મળી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.
ઠાકરેબંધુઓના સમર્થકોમાં ભારે ઉત્સુકતા હતી કે ઉદ્ધવ અને રાજ ઠાકરે આજના અવસરે યુતિની જાહેરાત કરી શકે છે, પણ એ સસ્પેન્સ પરથી પડદો ઊંચકાયો નહોતો. રાજ અને ઉદ્ધવ બન્નેએ રાજકીય કમેન્ટ કરવાનું ટાળ્યું હતું
દીપોત્સવની ઉજવણીમાં ઠાકરે બંધુઓના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો
કાર્યક્રમના ઉદ્ઘાટન પહેલાં ઉદ્ધવ ઠાકરે અને તેમનો પરિવાર રાજ ઠાકરેના શિવતીર્થ બંગલા પર ગયો હતો. ત્યાં એક કલાક રહ્યા બાદ તેઓ બધા શિવાજી પાર્ક આવ્યા હતા. ઉદ્ધવ ઠાકરે સાથે રશ્મિ ઠાકરે, આદિત્ય ઠાકરે અને તેજસ ઠાકરે હતાં. દીપોત્સવમાં રાજ ઠાકરે સાથે તેમનાં પત્ની શર્મિલા અને દીકરો અમિત હતાં. દીપોત્સવમાં જતી વખતે રાજ ઠાકરેએ પોતે કાર ડ્રાઇવ કરી હતી અને બાજુમાં ઉદ્ધવ ઠાકરે બેઠા હતા. જ્યારે બીજી કાર આદિત્ય ઠાકરેએ ડ્રાઇવ કરી હતી અને બાજુમાં અમિત ઠાકરે બેઠો હતો. MNSના પદાધિકારીઓએ ઉદ્ધવ ઠાકરે અને પરિવારનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું.
ઉદ્ધવ ઠાકરેએ બે મિનિટ જ લોકોને સંબોધ્યા
ઉદ્ધવ ઠાકરેએ ફક્ત બે મિનિટ લોકોને સંબોધ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘ઉપસ્થિત બધાં જ ભાઈઓ-બહેનો અને માતાઓ, સૌને દિવાળીની શુભેચ્છા. આજની આ દિવાળી અલગ અને વિશેષ છે. મને ખાતરી છે કે મરાઠી માણસની એકતાનો પ્રકાશ દરેકના જીવનમાં આનંદ લાવ્યા વગર રહેશે નહીં. આ જ રીતે બધા આનંદમાં અને પ્રકાશમાં રહો. બધાને આનંદ આપતા રહો. ફરી એક વખત શુભેચ્છા આપું છું. જય હિન્દ, જય મહારાષ્ટ્ર.’