ઉદ્ધવ ઠાકરે બેફામ : શિવસેનાના નિર્ધાર મેળાવડામાં અમિત શાહને ઍનાકૉન્ડા કહ્યા

28 October, 2025 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે ‘પૈસા આપીને મુંબઈને ગળી જવાનો તેમનો પ્રયાસ ચાલુ છે.

વરલીમાં યોજાયેલા નિર્ધાર મેળાવડામાં ઉદ્ધવ છાકરે. તસવીરો : સૈયદ સમીર અબેદી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગઈ કાલે મુંબઈમાં હતા. તેમણે મૅરિટાઇમ વીકનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નવા બનનારા કાર્યાલયનું ભૂમિપૂજન કર્યું હતું. એ વખતે તેમણે કહ્યું હતું કે BJP પરિવારવાદને બઢાવો આપનારો પક્ષ નથી. તેમના આ સ્ટેટમેન્ટનો ગઈ કાલે જ શિવસેના (UBT)ના ઉપશાખાપ્રમુખોના વરલીમાં યોજાયેલા નિર્ધાર મેળાવડામાં ઉદ્ધવ ઠાકરેએ જવાબ આપ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહને બધું જ ગળી જનારા સાપ ઍનાકૉન્ડા સાથે સરખાવ્યા હતા અને તેમના પર નિશાન સાધીને તેમને ઉદ્દેશીને કહ્યું હતું કે ‘તેમને મુંબઈ ગળી જવું છે. તેઓ ભલે પ્રયાસ કરે, પણ એ લોકો કઈ રીતે કરે છે એ હું જોઉં છું.’

એ પછી પરિવારવાદ વિશે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘આમનો છોકરો ક્રિકેટ બોર્ડનો અધ્યક્ષ બન્યો એ તેની ક્રેડિટથી બન્યો કે મેરિટથી બન્યો? પરિવારવાદ કોનો તો કે ઠાકરેનો. અરે, સામે આવીને ઊભો તો રહે. મારે અબ્દાલી (એકનાથ શિંદે)ને કહેવું છે કે અમે અમારાં માતા-પિતાના ઋણને માનનારા, પરિવારની પરંપરાને અનુસરનારા છીએ; બીજાના શરણે જનારા નથી.’ 

ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે ‘પૈસા આપીને મુંબઈને ગળી જવાનો તેમનો પ્રયાસ ચાલુ છે. ઈમાન વેચનારા ઘણા થઈ ગયા, આજે પણ છે, ઘૂંટણિયે પડી જાય છે. એમ છતાં બાળાસાહેબ ઠાકરેએ મરાઠી માણસમાં આત્મવિશ્વાસનું જે સિંચન કર્યું છે એ ક્યારેય વિસરાશે નહીં. ગમે એટલા અમિત શાહ આવે, મરાઠી માણૂસને હલાવી નહીં શકે. મોદીને હવે મુંબઈ ગળવું છે. આ કંઈ નવું નથી. મુંબઈ પર બે વેપારીઓ મીટ માંડીને બેઠા છે. એ બે વેપારીઓને લાગે છે કે હવે ૬૦ વર્ષ થઈ ગયાં (મહારાષ્ટ્ર મુક્તિ ચળવળ), એ વખતે જે લોહી રેડાયેલું એની કિંમત મુંબઈ ભૂલી ગયું હશે એવું જો તેમને લાગતું હોય તો તેમણે તેમની કબર બનાવવાની તૈયારી રાખવી પડશે. અમે સાથ આપ્યો ત્યારે એક ચાવાળો વડા પ્રધાન બની શક્યો. હું ચૂંટણીપંચને કહું છું કે મતદારયાદી સુધારો, નહીં તો ચૂંટણી થવા દેવી કે નહીં એ અમે નક્કી કરીશું. BJP બોગસ ટોળકી છે. પોતાને દેશપ્રેમી કહેવડાવે છે જે બોગસ છે. એ આત્મર્નિભર ભારત બનાવવાની વાત કરે છે, પણ તેમને પોતાનો પક્ષ જ આત્મનિર્ભર બનાવતાં આવડતું નથી. ભાડાના લોકો બહારથી લાવવા પડે છે.’

આદિત્ય ઠાકરેએ મતદારયાદીમાંની ત્રુટિઓ બતાવી

આદિત્ય ઠાકરેએ આ નિર્ધાર મેળાવડામાં મતદારયાદીમાંના ગોટાળા પુરાવા સાથે લોકોને દેખાડ્યા હતા અને ચૂંટણ‌ીપંચની કાર્યવાહી બાબતે શંકા વ્યક્ત કરી હતી. ફક્ત વરલી મતદાર સંઘમાં જ ૧૯,૩૩૩ મતદારોની વિગતોમાં વિસંગતિ હોવાનું તેમણે પુરાવા સાથે સ્ક્રીન પર દેખાડ્યું હતું. મતદાર અને તેના પિતાનું નામ એકસરખું, મહિલા મતદારના નામની સામે પુલ્લિંગ, મતદારની અટક મરાઠી પણ તેના પિતાની અટક ગુજરાતી જેવી અનેક ત્રુટિઓ મતદારયાદીમાં હોવાનું તેમણે શિવસેના શાખાના ઉપપ્રમુખોને જણાવ્યું હતું.

mumbai news mumbai amit shah uddhav thackeray shiv sena maharashtra political crisis political news aaditya thackeray