16 October, 2025 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સહિતના નેતાઓ એકસાથે ચૂંટણી-કમિશનરની ઑફિસમાં ગયા હતા
ઠાકરે બંધુઓ, કૉન્ગ્રેસ અને NCPના નેતાઓ એકસાથે ઇલેક્શન કમિશનરને મળ્યા, મતદારયાદીમાં ગોટાળાના આરોપ મૂક્યા
ગઈ કાલે રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સહિતના નેતાઓ એકસાથે ચૂંટણી-કમિશનરની ઑફિસમાં ગયા હતા. ત્યાં તેમણે ચીફ ઇલેક્શન કમિશનર એસ. ચોકલિંગમ સાથે મુલાકાત કરી હતી અને ચૂંટણી-પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાથી લઈને મતદારયાદીમાં સુધારાઓ સુધીની અનેક બાબતોની રજૂઆત કરી હતી.
ગઈ કાલે વિરોધ પક્ષોની યુતિ મહા વિકાસ આઘાડી (MVA)એ પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી અને એમાં મહારાષ્ટ્રની મતદારયાદી પર અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) હજી MVAનો સત્તાવાર ભાગ ન હોવા છતાં આ પ્રેસ-કૉન્ફરન્સમાં રાજ ઠાકરે પણ સામેલ હતા. ઉદ્ધવ અને રાજ ઉપરાંત કૉન્ગ્રેસના બાળાસાહેબ થોરાટ, વિજય વડેટ્ટીવાર અને NCPના જયંત પાટીલ પ્રેસ-કૉન્ફરન્સમાં હાજર હતા.
ઉદ્ધવ ઠાકરે શું કહે છે?
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘રાજ્ય અને કેન્દ્રના ચૂંટણી આયોગ કહે છે કે ખામી દૂર કરવાની જવાબદારી તેમની નથી. તમારી સિસ્ટમ જ ખામી ભરેલી છે. જો તમે આવી ભૂલો સાથે જ ચૂંટણીઓ યોજો છો તો-તો ચૂંટણીઓ કરવાની જરૂર જ ક્યાં છે? લિસ્ટમાં મતદારોનાં ડુપ્લિકેટ નામ છે, એક નામના બે-બે ત્રણ-ત્રણ વોટર છે. આ કેવી રીતે સંભવે? આવું જ કરવું છે તો ઇલેક્શનને બદલે સિલેક્શન કરીને વાત પૂરી કરો.’