MNSને મહા વિકાસ આઘાડીમાં સામેલ કરવા ઉદ્ધવ ઠાકરે ઉત્સુક, પણ કૉન્ગ્રેસનું વલણ ઢીલું

17 October, 2025 08:21 AM IST  |  Mumbai | Sanjeev Shivadekar

કૉન્ગ્રેસ હાઇકમાન્ડ સાથે ચર્ચા કરીને જ આ બાબતે નિર્ણય લેશે

મહા વિકાસ આઘાડી

ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ને મહા વિકાસ આઘાડીમાં સામેલ કરવા બહુ પ્રયાસ કરી રહ્યા છે, પણ એની સામે કૉન્ગ્રેસનું માનવું છે કે જો તેઓ MNSને આઘાડીમાં સામેલ કરશે તો એની વિપરીત અસર તેમને અન્ય રાજ્યોમાં પડી શકે છે એથી આ બાબતે એ ઢીલું વલણ અપનાવી રહી છે. એ જોતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી પહેલાં જ મહા વિકાસ આઘાડીમાં તિરાડ પડી હોવાનું જણાયું છે. 

ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરે સાથે મળીને મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે, પણ કૉન્ગ્રેસનું માનવું છે કે જો એવું થશે તો મહારાષ્ટ્રની બહાર પાર્ટીની ઇમેજને હાનિ પહોંચશે. એક કૉન્ગ્રેસના નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે જો MNS સાથે ગઠબંધન કરવામાં આવે તો એ ઇતર રાજ્યોમાં કૉન્ગ્રેસના પર્ફોર્મન્સ પર અસર કરી શકે. 

કૉન્ગેસના નેતાઓ MNSથી અંતર જાળવતા હોવાનું કારણ એવું આપવામાં આવે છે કે MNS દ્વારા ભૂતકાળમાં મુંબઈમાં ઉત્તર ભારતીયો અને નૉન-મરાઠીઓ સામે અભિયાન ચલાવાયાં હતાં એથી રાજ ઠાકરેની પાર્ટી સાથે નૅશનલ લેવલ પર ગઠબંધન કરવું રાજકીય રીતે જોખમી છે.  

‘મિડ-ડે’એ ઑગસ્ટમાં જ જણાવ્યું  હતું કે ‘ઉદ્ધવ ઠાકરે કાં તો રાજ ઠાકરેનો મહા વિકાસ આઘાડીમાં સમાવેશ કરાવશે અથવા મહા વિકાસ આઘાડીમાંથી નીકળીને MNS સાથે નવો મોરચો ખોલશે. કૉન્ગ્રેસ એ માટે તૈયાર ન હોવા છતાં ઉદ્ધવ ઠાકરે MNSને મહા વિકાસ આઘાડીમાં  સામેલ કરાવવા પૂરતું જોર લગાવી રહ્યા છે.’

આ બાબતે જ્યારે મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના પ્રેસિડેન્ટ હર્ષવર્ધન સકપાળને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘પાર્ટીમાં હજી MNSને મુદ્દે ચર્ચા થઈ નથી. જ્યારે પણ એ બાબતે નિર્ણય લેવાનો હશે ત્યારે  કેન્દ્રીય હાઈ કમાન્ડ સાથે ચર્ચા કરીને જ લેવામાં આવશે.’

શિવસેના (UBT)ના સંસદસભ્ય સંજય રાઉતને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પણ એ જ વાતને દોહરાવતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસના સ્ટેટ લેવલના નેતાઓ આ બાબતે તેમના હાઈ કમાન્ડ સાથે ચર્ચા કરીને જણાવશે.’  

ઠાકરે બંધુ બે, કંદીલ એક

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેને એકસાથે ચમકાવતાં કંદીલ પ્રભાદેવીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની યુવા પાંખે શૈતાન ચોકી પાસે લગાડ્યાં હતાં. એટલું જ નહીં, બીજા કંદીલમાં ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે અને રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને પણ દર્શાવવામાં આવ્યા છે. એ બન્ને ઠાકરે બંધુઓના રાજકીય પક્ષોની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી પહેલાં યુતિ થશે એવી આશા દર્શાવી રહ્યાં છે. તસવીર : આશિષ રાજે 

mumbai news mumbai shiv sena maharashtra navnirman sena political news bharatiya janata party congress uddhav thackeray sanjay raut maharashtra political crisis maha vikas aghadi