04 July, 2026 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જશે
અયોધ્યાના રામ મંદિરના દાનની રકમમાં થયેલી ચોરીના સંદર્ભે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘એક વખત અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે અબ હિન્દુ માર નહીં ખાએગા. એ જ રીતે હું આજે કહી રહ્યો છું કે અબ હિન્દુ માફ નહીં કરેગા. જે-જે લોકો મંદિર લૂંટી રહ્યા છે તેમને હિન્દુ તેમની જગ્યા બતાવી દેશે. એની શરૂઆત અમે કરી રહ્યા છીએ. અમે રવિવારે પાંચમી જુલાઈએ દાદરમાં કબૂતરખાના પાસે આવેલા હનુમાન મંદિરથી રાજ્યવ્યાપી રામરક્ષા આંદોલન શરૂ કરવાના છીએ. ૪ વાગ્યે આ મંદિરમાં રામ સ્તોત્ર અને હનુમાનચાલીસાના પાઠ થશેે.’
પક્ષ વગેરે ન જોતાં જે-જે હિન્દુ છે તેમણે આ આંદોલન માટે આવવું એવી હાકલ ઉદ્ધવ ઠાકરેએ કરી છે.
ઉદ્ધવ ઠાકરેએ એવો પણ પ્રશ્ન કર્યો હતો કે રામ મંદિરના દાનનો ઉપયોગ વિવિધ રાજ્યોમાં સંસદસભ્યો અને વિધાનસભ્યોને ખરીદવામાં તો નથી થઈ રહ્યોને?
રામ મંદિરની એ લૂંટ બાદ પહેલી વાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ પ્રતિક્રિયા આપતાં એના સરકાર્યવાહક દત્તાત્રય હોસાબળેએ કહ્યું હતું કે ‘પેઢીની પેઢીઓએ કરેલા સંઘર્ષને લીધે અને લાખો રામભક્તોના સમર્પણ, ત્યાગ અને ભક્તિને કારણે રામજન્મભૂમિ પર બાંધવામાં આવેલું આ ભવ્ય મંદિર સંપૂર્ણ હિન્દુ સમાજ માટે આદર, શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર બન્યું છે. રામ મંદિરની દાનપેટીઓની નિધિની ચોરી એ કમનસીબ ઘટના છે જેને કારણે સંપૂર્ણ સમાજની અને RSS સહિત રામભક્તોની ભાવના અને શ્રદ્ધાને ઠેસ પહોંચી છે. ઉત્તર પ્રદેશ સરકારે એક સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી છે. તપાસમાં જેઓ દોષી જણાય તેમને કડક શિક્ષા થવી જરૂરી છે. રામ મંદિરની નિધિની ચોરીની ઘટનાને હલકામાં લેવાય નહીં એવી RSSની અપેક્ષા છે.’