આપણી તલવારો એકબીજા સામે તાણવાને બદલે રાજ્યના શત્રુઓ વિરુદ્ધ તાણવી જોઈએ

10 October, 2021 02:32 PM IST  |  Mumbai | Dharmendra Jore

સિંધુદુર્ગમાં ચિપી ઍરપોર્ટના ઉદ્ઘાટન સમારંભમાં સ્ટેજ પરથી આવું કહેનારા ઉદ્ધવ ઠાકરે અને નારાયણ રાણે વચ્ચે જાહેરમાં વાક્યુદ્ધ છેડાયું

શનિવારે સિંધુદુર્ગમાં ચિપી ઍરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે

શનિવારે સિંધુદુર્ગમાં ચિપી ઍરપોર્ટના ઉદ્ઘાટન સમારંભમાં રાજકીય હરીફો મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે વચ્ચે તણખા ઝર્યા હતા. ચિપી ઍરપોર્ટના પ્રોજેક્ટમાં પોતાનું મોટું યોગદાન ગણાવવા સાથે રાણેએ આરોપ કર્યો હતો કે જેઓ સિંધુદુર્ગ જિલ્લાના વિકાસનો વિરોધ કરતા હતા તેઓ મંચ પર બિરાજમાન છે. એના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે અવસરની ગરિમા જાળવવા માટે અત્યારે તેઓ ચડસાચડસીમાં નથી પડી રહ્યા, પણ પક્ષના સ્થાપક અને તેમના પિતા બાળાસાહેબ દ્વારા જૂઠાણાં ચલાવનારાઓની ઘણા સમય પહેલાં શિવસેનામાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી હતી. આ બન્ને રાજકીય નેતાઓ ૧૬ વરસ પછી એક સ્ટેજ પર સાથે આવ્યા હતા. સામસામા સૂત્રોચ્ચારો સિવાય આ પ્રસંગે કોઈ અનિચ્છનીય ઘટના નહોતી બની. ચિપી ઍરપોર્ટમાં ગઈ કાલથી મુંબઈથી ફ્લાઇટનું ઑપરેશન શરૂ થયું છે.

તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે ‘ઉદ્ધવજી, મારી તમને વિનંતી છે કે અહીંની જમીની હકીકત જાણવા માટે તમે અધિકારીની નિમણૂક કરો, કારણ કે જેઓ તમને માહિતી આપી રહ્યા છે તેઓ જૂઠું બોલી રહ્યા છે. જો હું એ બધું કહીશ કે કોણે રસ્તાનું કામ અટકાવ્યું, કોણ ક્યાં જઈ રહ્યું છે, કોણે આ ઍરપોર્ટનો વિરોધ કર્યો હતો, કોણે સી-વર્લ્ડ પ્રોજેક્ટ અટકાવ્યો તો આ પ્રસંગનું રાજકીયકરણ થઈ જશે. મારી પાસે વિરોધ-પ્રદર્શનોની તસવીરો છે, જેની આગેવાની આ વ્યક્તિએ કરી હતી.’ તેમણે ઉમેર્યું હતું કે ‘એ વ્યક્તિએ સિંધુદુર્ગ માટે અને કોંકણ માટે જે કંઈ પણ સારું કર્યું હશે એ બાળાસાહેબના આશીર્વાદને લીધે કર્યું હશે, પણ કોંકણના વિકાસ માટે થયેલાં કામોની વાત આવે ત્યારે કોઈ મારી નજીક પણ આવી શકે એમ નથી.’

સિવિલ એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાના ઑનલાઇન સંબોધન પછી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ ટેકેદારોની અપેક્ષા પૂરી કરતાં પોતાના સંબોધનમાં વળતો જવાબ આપ્યો હતો. નારાયણ રાણેના સંબોધનમાં જે આક્રમકતા જોવા મળી હતી એવી આક્રમકતા વગર ઉદ્ધવ ઠાકરેએ કટાક્ષમાં વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘આ ક્ષણ વાદવિવાદ કરવાની નહીં, પણ આનંદની ક્ષણ છે. આપણે રહીએ છીએ એ ભૂમિના સંસ્કાર ઘણા લોકો ભૂલી ગયા છે. ભૂમિએ કાંટાળા છોડને પણ પોષવા પડે છે.’

પોતાના ભાષણમાં ઉદ્ધવે એવો પણ સવાલ કર્યો હતો કે ૨૯ વરસ પહેલાં શરૂ થયેલા પ્રોજેક્ટને પૂરો થતાં આટલો લાંબો સમય કેમ લાગ્યો? તેમણે નારાયણ રાણેના દાવાઓ પર કટાક્ષ કરતાં એવું પણ કહ્યું હતું કે ‘મને તો ખબર છે કે સિંધુદુર્ગ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજે બાંધ્યો હતો. નહીંતર કોઈ એવો દાવો પણ કરી શકે છે કે આ કિલ્લો તેણે પોતે બાંધ્યો છે.’

ઉદ્ધવ ઠાકરેએ એવો પણ પ્રસ્તાવ મૂક્યો હતો કે ઍરપોર્ટમાં હેલિપોર્ટ આપવામાં આવે, જેથી પર્યટકો આ વિસ્તારની દરિયાઈ સુંદરતા અને કિલ્લાની ભવ્યતા જોઈ શકે. આ સાથે તેમણે ઍરપોર્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું વચન પણ આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ‘આપણી તલવારો એકબીજા સામે તાણવાને બદલે રાજ્યના શત્રુઓ વિરુદ્ધ તાણવી જોઈએ અને સાથે મળીને કામ કરવું જોઈએ.’

mumbai mumbai news uddhav thackeray narayan rane dharmendra jore