“બધા વેચાઈ ગયા છે, એવોર્ડ તો ખરીદી શકાય છે...”: શરદ પવારે એકનાથ શિંદેને ઍવૉર્ડ આપતા સંજય રાઉતે સાધ્યું નિશાન

13 February, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Uddhav Thackeray on Sharad Pawar: શિંદેને ઍવૉર્ડ મળતા ઉદ્ધવ સેના ઉગ્ર, સંજય રાઉતે આ ઍવૉર્ડને "ખરીદાયેલું" કહી વિવાદ ઊભો કર્યો. શિંદેએ પવારની પ્રશંસા કરતાં કહ્યું કે, “શરદ પવાર પાસેથી શીખી શકાય કે રાજકીય પરિસર બહાર સારા સંબંધો કેવી રીતે જાળવી શકાય.”

ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર (તસવીર: મિડ-ડે)

મહારાષ્ટ્રના રાજકારણમાં હવે ઍવૉર્ડને લઈને મહા વિકાસ અઘાડીના પક્ષો વચ્ચે જ વિવાદ ઊભો થયો છે. નવી દિલ્હી ખાતે NCP (SP)ના પ્રમુખ શરદ પવારના હસ્તે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને  ઍવૉર્ડ મળ્યો જેને લઈને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ (ShivSena UBT)એ ટીકા કરી છે. યુબીટીના નેતા સંજય રાઉતે આ ઍવૉર્ડ માટે કહ્યું કે, “આ બધાં ઍવૉર્ડ ખરીદી શકાય છે.”

શિંદેને ઍવૉર્ડ મળતા યુબીટી નારાજ
યુબીટી દ્વારા મુદ્દે અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે શિવસેના તોડનાર એકનાથ શિંદેને શરદ પવારે સન્માન શા માટે આપ્યું? આ સન્માનને લઈને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કટાક્ષ કરતાં જણાવ્યું કે, “આવા ઍવૉર્ડ વેચવામાં આવે છે.” મહારાષ્ટ્રના ડિપ્યુટી CM એકનાથ શિંદેએ NCP (SP)ના નેતા શરદ પવારના વખાણ કર્યા હતા. શિંદેને શરદ પવારના હસ્તે સન્માન મળતાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય રાઉતે ઍવૉર્ડની માન્યતા પર સવાલ ઉઠાવતા કહ્યું, “આ ઍવૉર્ડ કોણે આપ્યું? આ બધા ઍવૉર્ડ ખરીદાય અને વેચાય છે.”

એકનાથ શિંદેએ કાર્યક્રમ દરમિયાન શરદ પવારની પ્રશંસા કરતા કહ્યું કે, “પવાર ગુગલી બૉલ ફેંકે છે, જેને સમજી શકવું મુશ્કેલ છે, પણ પવારે મારી સામે ક્યારેય ગુગલી ફેંકી નથી. મને પુરો વિશ્વાસ છે કે તેઓ ભવિષ્યમાં પણ મારી સામે ગુગલી ફેંકશે નહીં. શરદ પવાર પાસેથી શીખી શકાય કે રાજકીય પરિસર બહાર સારા સંબંધો કેવી રીતે જાળવી શકાય.” શિંદેએ યાદ અપાવ્યું કે, શરદ પવાર સદાશિવ શિંદેના જમાઈ છે, જે એક સ્પિન બૉલર હતા અને તેઓ ગુગલી માટે પ્રખ્યાત હતા. શિંદેએ કહ્યું કે, તેઓએ તેમના જીવનમાં શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે અને તેમના ગુરુ આનંદ દિઘે પાસેથી જીવનના પાઠ શીખ્યા છે. એકનાથ શિંદેએ કહ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્ર માટે મજબૂત સમર્થક બનીને ઉભા રહ્યા છે. તેમની મદદથી રાજ્યમાં અઢી વર્ષમાં મહત્ત્વના વિકાસકામો થયાં છે. શરદ પવાર આ વિકાસકાર્યોના સાક્ષી છે.”

શિંદેને એનાયત કરાયું `મહાદજી શિંદે રાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર`
મંગળવારે નવી દિલ્હીમાં મહારાષ્ટ્રના ડિપ્યુટી CM એકનાથ શિંદેને `મહાદજી શિંદે રાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર` થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઍવૉર્ડ શરદ પવાર અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે આપવામાં આવ્યો હતો. જ્યોતિરાદિત્ય સિંધિયાએ શિંદેને ઍવૉર્ડ માટે અભિનંદન પાઠવ્યા. 

98મું અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન
21થી 23 ફેબ્રુઆરી દરમિયાન દિલ્હીના તલકટોરા સ્ટેડિયમમાં 98મું અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન યોજાવાનું છે. આ કાર્યક્રમનું આયોજન સંજય નાહરના અધ્યક્ષતા હેઠળ `સરહદ` સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં  શરદ પવાર આ કાર્યક્રમના સ્વાગત સમિતિના અધ્યક્ષ રહેશે.

uddhav thackeray eknath shinde sharad pawar shiv sena nationalist congress party political news mumbai news sanjay raut maharashtra news maharashtra maharashtra political crisis jyotiraditya scindia