14 October, 2025 10:49 AM IST | Thane | Gujarati Mid-day Correspondent
ગઈ કાલના મોરચામાં ઠાકરે બંધુઓને એકસાથે ચમકાવાતાં હૉર્ડિંગ્સ લગાડવામાં આવ્યાં હતાં.
પ્રાઇમરીથી જ હિન્દીને સિલેબસમાં થર્ડ લૅન્ગ્વેજ તરીકે સામેલ કરવાની બાબતે શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ લડત ચલાવી હતી અને એની જીતની વિજય રૅલીમાં કોઈ પણ પક્ષનો ઝંડો ન ફરકાવતાં ફક્ત મરાઠીઓની જીત જ વર્ણવાઈ હતી. એ વખતે સ્ટેજ પર ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બન્ને સાથે હતા. એ પછી ઠાકરે-બંધુઓના રાજકીય પક્ષોની યુતિની અનેક ચર્ચા થઈ હતી. દરમ્યાન ગઈ કાલે થાણેમાં પહેલી વાર સંયુક્ત રીતે વિશાળ મોરચો નીકળ્યો હતો જે સત્તાવાર રીતે બન્ને પક્ષો દ્વારા થયેલું પ્રથમ સંયુક્ત આયોજન હતું.
રાજ ઠાકરે આ મોરચામાં સામેલ થવાના હતા પણ પછીથી કોઈક કારણસર રદ થતાં સ્થાનિક નેતાઓએ જ મોરચો સંભાળ્યો હતો. જોકે ગડકરી રંગાયતનથી શરૂ કરી થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) સુધી નીકળેલા આ મોરચામાં હજારો કાર્યકર જોડાયા હતા. રાજકીય નિરીક્ષકોનું કહેવું હતું કે થાણેના એકનાથ શિંદે અને તેમની શિવસેનાને BMCની ચૂંટણીમાં તેમના જ ગઢ થાણે-TMCમાં હરાવવાના મનસૂબા સાથે આ મોરચો કાઢીને રણશિંગું ફૂંકવામાં આવ્યું હતું.
આ મોરચામાં શિવસેના (UBT) અને MNSએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. મોરચામાં મહા વિકાસ આઘાડીના સાથી-પક્ષ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદ પવાર-SP)ના જિતેન્દ્ર આવ્હાડ પણ કાર્યકરો સાથે સામેલ થયા હતા.
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેને એક જ બોર્ડ પર સાથે ચમકાવવામાં આવ્યા હતા એટલું જ નહીં, બાળ ઠાકરે અને શિવસેનાના થાણેના ધર્મવીર તરીકેની ખ્યાતિ ધરાવતા દિવંગત નેતા આનંદ દિઘેને પણ સાથે પોસ્ટરમાં ચમકાવવામાં આવ્યા હતા.
MNS હવે મહા વિકાસ આઘાડીનો ભાગ બનશે ઃ સંજય રાઉત
દરમ્યાન શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે ગઈ કાલે રાજ ઠાકરેના વડપણ હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના હવે મહા વિકાસ આઘાડીનો ભાગ બની શકે છે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું. જોકે કૉન્ગ્રેસ અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી બન્નેએ આ બાબતે અંતર રાખ્યું હતું. સંજય રાઉતે એમ કહ્યું હતું કે ‘હાલમાં રાજ ઠાકરે સાથે થયેલી મુલાકાતોમાં તેમનું કહેવું હતું કે BMCની ચૂંટણીઓ કૉન્ગ્રેસ સાથે મળીને લડવી જોઈએ. જોકે એ તેમનો મત હતો, નિર્ણય નહીં.’
સરકારને ઝુકાવવી હોય તો બધા વિરોધ પક્ષોએ સાથે આવવું પડશે
અવિનાશ જાધવે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘થાણે આજે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે. જો એને રોકવો હશે તો બધા વિરોધ પક્ષોએ સાથે આવવું પડશે. થાણેના રસ્તાની સમસ્યા હોય, પાણીની સમસ્યા હોય, ટ્રાફિકની સમસ્યા હોય એવા ઘણા વિષયો છે. એ માટે બધા વિરોધ પક્ષો ભેગા મળીને કામ કરી રહ્યા છે. જિતેન્દ્ર આવ્હાડ, રાજન વિચારે, હું, કૉન્ગ્રેસના વિક્રમ ચવ્હાણ, અમે બધા એક જ છીએ. જો સરકારને ઝુકાવવી હશે તો સાથે મળીને કામ કરવું પડશે અને અમે એ કરીશું.’