17 November, 2025 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર
શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે કહ્યું હતું કે કૉન્ગ્રેસ સ્વતંત્ર રીતે પોતાના નિર્ણયો લઈ શકે છે અને એ જ રીતે તેમની પાર્ટી પણ સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે છે. મહા વિકાસ આઘાડી (MVA)ના સાથી પક્ષ કૉન્ગ્રેસે શનિવારે જાહેરાત કરી હતી કે એ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીની એકલા લડવાની યોજના બનાવી રહી છે.
આ જાહેરાત પર પ્રતિક્રિયા આપતાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘કૉન્ગ્રેસ એક સ્વતંત્ર પાર્ટી છે અને મારી પાર્ટી પણ સ્વતંત્ર છે. કૉન્ગ્રેસ પોતાનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે અને અમારી પાર્ટી પણ આવું કરવા માટે સ્વતંત્ર છે.’
ઉદ્ધવ ઠાકરેએ બિહાર ચૂંટણીમાં NDAને મળેલા ભવ્ય વિજય પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘અમે ચૂંટણીનો વિરોધ નથી કરતા, કારણ કે એ રાજકારણની જીવનરેખા છે. જ્યાં ચૂંટણી-પ્રક્રિયામાં પારદર્શિતા ન હોય એને શું લોકશાહી કહી શકાય?’
બાળાસાહેબ ઠાકરે મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા ઉદ્ધવ ઠાકરે
આજે બાળાસાહેબ ઠાકરેની ૧૩મી પુણ્યતિથિ છે, જે માટેના કાર્યક્રમ માટે શિવાજી પાર્કમાં ગઈ કાલે તૈયારીઓ ચાલી રહી હતી. તસવીર: શાદાબ ખાન
મહારાષ્ટ્ર સરકારે બાળાસાહેબ ઠાકરે રાષ્ટ્રીય સ્મારક પબ્લિક ટ્રસ્ટનું પુનર્ગઠન કર્યું છે, જેમાં ઉદ્ધવ ઠાકરેને ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેનું આ મેમોરિયલ દાદરમાં શિવાજી પાર્ક નજીક મેયરના બંગલાની સાઇટ પર બનાવવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકારે શનિવારે એક જાહેરનામું બહાર પાડીને ઉદ્ધવ ઠાકરે તથા અન્ય ૪ સભ્યોને આ ટ્રસ્ટમાં નિયુક્ત કર્યા હતા, જે આ મેમોરિયલના કન્સ્ટ્રક્શનની દેખરેખ રાખી રહ્યું છે. ભૂતપૂર્વ પ્રધાન સુભાષ દેસાઈને ટ્રસ્ટના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેને પણ ટ્રસ્ટમાં સભ્ય બનાવવામાં આવ્યા છે.