✕

‌શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરેની દશેરા-રૅલીમાં પણ ગાજ્યો સત્તાપલટાનો નાદ, CJPના મુદ્દાઓ પર જ ચાલ્યું ભાષણ

21 October, 2026 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભગવો આપણી ઓળખ, કોઈ એ છીનવી નહીં શકે; વિધાનસભા જ નહીં, લાલ કિલ્લા પર પણ લહેરાશે

ગઈ કાલે ‌શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરે. તસવીર: અતુલ કાંબળે

દાદરના શિવાજી પાર્કમાં યોજવામાં આવેલા શિવસેના (UBT)ના દશેરાના મેળાવડામાં ઉદ્ધવ ઠાકરેએ તેમના શિવસૈનિકોને સંબોધ્યા ત્યારે મુખ્યત્વે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) દ્વારા ઉઠાવવામાં આવેલી માગણીઓ અને તેમના આંદોલનનાં વખાણ, ખેડૂતોની સમસ્યા, વોટચોરી અને સૌથી મહત્ત્વપૂર્ણ રેજીમ-ચેન્જ એટલે કે સત્તાપલટો જેવા મુદ્દા કેન્દ્રમાં રહ્યા હતા. 
ખાસ કરીને શિવસેનામાં પડેલા ફાંટા અને પક્ષની ઓળખ બાબતે ઉદ્ધવ ઠાકરેએ કાર્યકરોને પાનો ચડાવતાં કહ્યું હતું કે ‘ભગવો આપણી ઓળખ, કોઈ એ છીનવી નહીં શકે. મહારાષ્ટ્રની વિધાનસભા જ નહીં, લાલ કિલ્લા પર પણ લહેરાશે આપણો ભગવો.’
ઉદ્ધવ ઠાકરેના ભાષણની હાઇલાઇટ્સ
• મહારાષ્ટ્રમાં ભયંકર દુકાળ છે અને ગયા વર્ષે અતિવૃષ્ટિ વખતે જે વાયદા કર્યા હતા એ રીતે આ વખતે પણ કર્યા છે. જોકે ગયા વર્ષના જ વાયદા હજી સુધી પૂરા કર્યા નથી. આપણામાં કહેવત છે કે દુકાળમાં અધિક માસ. એ અધિક માસ એટલે કે BJP, ડબલ એન્જિનની આ સરકાર. 
• પોલીસે ટાઇગર શ્રોફ પરના હુમલાખોરોને ગણતરીના કલાકોમાં પકડી લીધા એ બદલ શાબાશી આપવી કે શું એ ખબર નથી પડતી, પણ જો ગોળી તેને વાગી ગઈ હોત તો અને કંઈ થઈ ગયું હોત અને પછી પોલીસે તેમને પકડ્યા હોત તો આવી કામગીરીને શું કરવાની?
• લૉરેન્સ બિશ્નોઈ અમિત શાહની સાબરમતી જેલમાં ઢોકળાં અને ફાફડા ખાય છે. તેનો ગુંડો કહે છે કે તેમની પાસે ૭૦,૦૦૦ શૂટર્સ છે. ફડણવીસજી, તમારામાં હિંમત હોય તો સાબરમતી જાઓ અને તમારો જે બાપ દિલ્હીમાં બેઠો છે તેની સામે બિશ્નોઈને ખેંચીને અહીં લઈ આવો. પછી અહીં અમારી સાથે ગપ્પાં મારો. 
• મારો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) કે એના વડા મોહન ભાગવત સાથે કોઈ ઝઘડો નથી, પણ તમે સ્વતંત્રતા મળી એનાં ઘણાં વર્ષો સુધી પોતાના હેડક્વૉર્ટર પર તિરંગો લહેરાવ્યો નહોતો. તો હવે ‘લેકે રહેંગે આઝાદી’નો અર્થ શું એ તમે જરા મને કહેજો. 
• નરેન્દ્ર મોદી હંમેશાં કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય કરવા માટે અભિજિત મુહૂર્ત પસંદ કરતા હોય છે એ બરાબર જ કાઢતા હતા. લ્યો આવી ગયો અભિજિત દીપકે, તમારા માથે આવીને બેઠો છે. 
• આખા મહારાષ્ટ્રની લોકસંખ્યા ૧૨ કરોડની આસપાસ છે અને વોટ ચોરાયા છે ૧૩ કરોડ. આ શું નાની સંખ્યા છે? શું એ બધા જ બંગલાદેશીઓ હતા? ૧૩ કરોડ બંગલાદેશીઓ!
• ઑપરેશન ટાઇગર કરીને ૬ ગદ્દારોને પચાસ-પચાસ કરોડ રૂપિયા આપીને ખરીદ્યા, પણ ખેડૂતોને ફક્ત ૫૦૦૦ રૂપિયાની સહાય!

રાવણની નાભિમાં રાવણના પ્રાણ, જ્ઞાનેશ કુમાર નરેન્દ્ર મોદીની નાભિ છે
ઉદ્ધવ ઠાકરેએ નરેન્દ્ર મોદીની રાવણ સાથે સરખામણી કરતાં કહ્યું હતું કે ‘જે રીતે રામ ભગવાન રાવણનું મસ્તક કાપતા છતાં તે મરતો નહોતો કારણ કે રાવણના પ્રાણ તેની નાભિમાં હતા એ જ રીતે જ્ઞાનેશ કુમાર નરેન્દ્ર મોદીની નાભિ છે. એમાં તેમના પ્રાણ છે. તેમણે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લીધું, અહીં મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC)ના ચૅરમૅન ભીમનરાવને ફરજિયાત રજા પર મોકલી દીધા; પરંતુ જ્ઞાનેશ કુમાર માટે પોણાબે લાખ પોલીસને રસ્તે ઉતારી દીધી, કારણ કે તેમના પ્રાણ જ્ઞાનેશ કુમારમાં છે.’ 

આમના નેતા કહે છે કે ઘાટકોપરની ભાષા તો ગુજરાતી છે ઃ ઉદ્ધવ ઠાકરે
ગયા વર્ષે RSSના સુરેશ જોષીએ કહ્યું હતું કે ઘાટકોપરની ભાષા ગુજરાતી છે. અમિત શાહ આવ્યા ત્યારે તે કહે છે કે મહારાષ્ટ્ર દેશનું સૌથી મોટું બહુભાષી રાજ્ય છે. ત્યારે સત્તાના લાલચુ પૂંછડી પાછળ નાખીને બેઠા હતા. કેમ તે ન બોલ્યા કે મહારાષ્ટ્ર ફક્ત મરાઠીઓનું છે, કંઈ બહુભાષી નથી, મરાઠીભાષીઓના હકનું છે. અમિત શાહ કહે છે કે ગુજરાતમાં હિન્દી નહીં બોલાય, તામિલનાડુમાં જઈને કહે છે કે મને તામિલ નથી આવડતું તો મહારાષ્ટ્ર પણ ફક્ત મરાઠીભાષીઓનું જ છે.

અમિત શાહ જ લૉરેન્સ બિશ્નોઈ છે : સંજય રાઉત
• આપણી સામે બેઠેલા ખરા શિવસૈનિકો છે, ‌ટિકાઉ માલ અહીં છે અને બિકાઉ માલ ત્યાં (એકનાથ શિંદેની સાથે) છે. તે અમિત શાહના દાંડિયા છે.
• લૉરેન્સ બિશ્નોઈનું અસ્તિત્વ જ નથી. ખરેખર તો અમિત શાહ જ લૉરેન્સ બિશ્નોઈ છે. જેના પર દેશના કાયદા-સુવ્યવસ્થાની જવાબદારી છે તે માફિયા છે. લૉરેન્સ બિશ્નોઈનું બસ નામ છે. 
• ખરેખર બધા જ ગોરખધંધા ગુજરાતના અમિત શાહના છે.

mumbai news mumbai uddhav thackeray shiv sena dadar political news