07 November, 2025 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મુંબઈમાં SBIની ઇવેન્ટમાં નિર્મલા સીતારમણ.
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઈ કાલે સરકારી બૅન્કોને વિનંતી કરી હતી કે કસ્ટમર્સ સાથે સંપર્ક વધારવા માટે બૅન્કોની લોકલ બ્રાન્ચના કર્મચારીઓ સ્થાનિક ભાષા જાણે એ જરૂરી છે.
પાછલા સમયમાં લોકલ ભાષા ન બોલતા બૅન્ક-અધિકારીઓ સામે રોષના અનેક કિસ્સાઓ અને એને લીધે ગરમાયેલા રાજકીય વાતાવરણ પછી કેન્દ્રીય ફાઇનૅન્સ મિનિસ્ટર તરફથી આ નિવેદન આવ્યું છે. ગઈ કાલે મુંબઈમાં આયોજિત સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)ની એક ઇવેન્ટમાં નિર્મલા સીતારમણે આ નિવેદન આપ્યું હતું. તેમણે લોકલ ભાષા બોલતા લોકોની બૅન્કમાં ભરતી કરવામાં આવે એ માટે હ્મુમન રિસોર્સ (HR) પૉલિસીમાં ફેરફાર કરવાની પણ હિમાયત કરી હતી.
ફાઇનૅન્સ મિનિસ્ટરે એવું પણ કહ્યું હતું કે ‘બૅન્ક કસ્ટમર સાથે સંપર્ક મજબૂત બનાવે તો તેમને બહારની ક્રેડિટ ઇન્ફર્મેશન કંપનીઓ પર આધાર ન રાખવો પડે, જેને લીધે રેકૉર્ડ અપડેટ થવામાં ખૂબ મોડું થાય છે. કસ્ટમર કૉન્ટૅક્ટ મજબૂત કરવા માટે લોકલ ભાષા ખૂબ જ જરૂરી છે.’
ફાઇનૅન્સ મિનિસ્ટરે એવું પણ કહ્યું હતું કે ‘બૅન્કો લૉન લેનાર કસ્ટમર પર સતત પુરાવા રજૂ કરવાની અને ડૉક્યુમેન્ટ્સ પૂરા પાડવાની જવાબદારી ન નાખી શકે. આવી નાની-નાની બાબતોમાં સુધારો કરવામાં આવે એ જરૂરી છે.’