01 April, 2025 03:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
કલ્યાણ રેલવે સ્ટેશને પાણીનું બિલ ભર્યું ન હોવાથી કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)એ શનિવારે એનું પાણીનું કનેક્શન કાપી નાખતાં હોબાળો મચી ગયો હતો.
કલ્યાણ રેલવે સ્ટેશને ૧.૧૭ કરોડ રૂપિયા પાણીના બિલ પેટે ચૂકવવાના નીકળે છે. એથી KDMCના અસિસ્ટન્ટ કમિશનર સચિન તામખેડેએ રેલવે સ્ટેશનનું પાણી-સપ્લાયનું કનેક્શન કાપી નાખવા આદેશ આપ્યા હતા. પ્રવાસીઓને પડતી અસુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે ઑથોરિટીએ આ બાબતે તરત જ પાણીનું પેન્ડિંગ બિલ ભરવાની પ્રોસેસ ચાલુ કરી હતી અને આ સમસ્યાનો તેઓ ઉકેલ લાવી ટૂંક સમયમાં એ બિલની રકમ ભરી દેશે એવી KDMCને ખાતરી આપી હતી. એથી KDMC કમિશનર ઇન્દુરાણી જાખડે રવિવારે સાંજે એ કનેક્શન ફરી જોડવા અધિકારીઓને આદેશ આપ્યો હતો. આ અઠવાડિયામાં રેલવેના અધિકારીઓ KDMCના અધિકારીઓ સાથે આ બાબતે એક મીટિંગ કરશે એમ સચિન તામખેડેએ વધુમાં જણાવ્યું હતું. ૩૧ માર્ચે ફાઇનૅન્શ્યલ વર્ષ પૂરું થતું હોવાથી KDMC પ્રૉપર્ટી ટૅક્સ અને પાણીના બિલની પેન્ડિંગ રકમ વસૂલ કરવા અભિયાન ચલાવી રહી છે.