ડોમ્બિવલીનાં અન્નપૂર્ણા ઉષા ગાલાનું હાર્ટ-અટૅકથી અવસાન

23 August, 2026 06:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૫ વર્ષથી જરૂરિયાતમંદ લોકોને મફતમાં ભોજન કરાવનારાં સમાજસેવિકાની અંતિમયાત્રામાં ૪૦૦થી વધુ લોકો જોડાયા

ઉષા ગાલા

ડોમ્બિવલી-ઈસ્ટના નવનીતનગરમાં છેલ્લાં ૧૫ વર્ષથી અન્નપૂર્ણા ભોજનાલય ચલાવતાં ૭૧ વર્ષનાં ઉષા ગાલાનું શુક્રવારે રાત્રે ૮ વાગ્યે હૃદયરોગના હુમલાથી દુઃખદ નિધન થયું હતું. તેઓ નિ:સ્વાર્થભાવે સાધર્મિક ભક્તિ અને સંઘનાં કાર્યો કરતાં હતા તથા સંતો તેમ જ જરૂરિયાતમંદોને મફતમાં ભોજન કરાવતાં હતાં. તેમની આ નિઃસ્વાર્થ સેવા અવિરત ચાલુ રહે એ માટે કચ્છી જૈન ફાઉન્ડેશન અને જયંતીલાલ ગડા દ્વારા તેમની પુત્રી ભૂમિકા હરિયાને સંપૂર્ણ સાથ-સહકાર આપવાની ખાતરી આપવામાં આવી છે.
ઉષાબહેનની સમાજસેવા અને લાગણીઓને માન આપવા ગઈ કાલે સવારે તેમના નિવાસસ્થાનથી નીકળેલી અંતિમયાત્રામાં ૪૦૦થી વધુ શ્રદ્ધાળુઓ જોડાતાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી. શિવમંદિર સ્મશાનભૂમિ તરફ જતી આ યાત્રામાં કચ્છ યુવક સંઘ, માનવતા ગ્રુપ અને નવનીત અંતિમક્રિયા ગ્રુપ જેવી અગ્રણી સંસ્થાઓના સભ્યોએ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વર્ષોથી નો પ્રૉફિટ, નો લૉસના ધોરણે બપોરે અને સાંજે મળીને રોજ ૧૫૦ લોકોને ભોજન આપવાની સાથે દસથી વધુ મહિલાઓને રોજગારી પૂરી પાડી હતી.

mumbai news mumbai dombivli gujaratis of mumbai gujarati community news jain community