21 October, 2026 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાકોલા પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીઓ.
વાકોલા પોલીસે સપ્ટેમ્બર મહિનાના અંતમાં વાકોલા જંક્શન પાસે થયેલી મોબાઇલ-ચોરીના કેસમાં તપાસ કરીને મૂળ ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી અને કુખ્યાત આંતરરાજ્ય ‘ઠક ઠક ગૅન્ગ’ના બે સભ્યોની, ૫૬ વર્ષના મોહમ્મદ ઇમરાન યાસિન કુરેશી અને ૪૨ વર્ષના ઇસ્લામ નૂરુદ્દીન કુરેશીની પાયધુની વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આ આરોપીઓ ટ્રાફિક-સિગ્નલ પર ઊભેલી કારના કાચ પર ટકોરા મારીને, ડ્રાઇવરનું ધ્યાન ભટકાવીને સીટ પર રાખેલા કીમતી મોબાઇલ ચોરી કરતા હતા. પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ, ફેશ્યલ રેકગ્નિશન સિસ્ટમ (FRS) અને સઘન સર્વેલન્સની મદદથી આ બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેનાથી મુંબઈનાં જુદાં-જુદાં પોલીસ-સ્ટેશનોમાં નોંધાયેલા ચોરીના કુલ ૬ કેસનો પર્દાફાશ થયો છે.
વાકોલા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સપ્ટેમ્બર મહિનાના અંતમાં વાકોલા જંક્શન પર ટ્રાફિક-સિગ્નલ પર ફરિયાદીની ગાડી ઊભી હતી ત્યારે એક આરોપીએ જમણી બાજુના કાચ પર ટકોરા મારીને કારના ડ્રાઇવરનું ધ્યાન ભટકાવ્યું હતું. ડ્રાઇવર તેની સાથે વાત કરવા વળ્યો એટલે તરત જ બીજા આરોપીએ ડાબી બાજુની સીટ પર રાખેલા ૧.૮૦ લાખ રૂપિયાના બે પ્રીમિયમ મોબાઇલ ફોન સરકાવી લીધા હતા. કારમાંથી મોબાઇલ ગુમ થઈ જતાં ફરિયાદીએ અમારી પાસે ગુનો નોંધાવ્યો હતો જેના આધારે અમે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. તપાસ દરમ્યાન અમે ઘટનાસ્થળ તથા મુંબઈ સેન્ટ્રલ આસપાસના ૨૦૦ જેટલા CCTV કૅમેરાનાં ફુટેજ બારીકાઈથી તપાસ્યાં ત્યારે FRS ટેક્નૉલૉજીથી આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અને ઓળખ છતાં થયાં હતાં. આરોપીઓ મુંબઈમાં ચોરી કર્યા બાદ તરત જ મેરઠ ભાગી જતા હોવાથી તેમને ઝડપી પાડવા અત્યંત પડકારરૂપ હતા. જોકે ઑક્ટોબર મહિનામાં આ આરોપીઓ ફરીથી ચોરીના ઇરાદે મુંબઈ આવ્યા અને પાયધુની વિસ્તારની એક ડૉર્મિટરીમાં રોકાયા ત્યારે ગુપ્ત બાતમી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે દરોડો પાડીને બન્નેની ધરપકડ કરી હતી. આ આરોપીઓની ધરપકડથી વાકોલાના બે, સહારના બે, આઝાદ મેદાનનો એક અને સાકીનાકા પોલીસ-સ્ટેશનનો એક એમ મુંબઈના કુલ ૬ ચોરીના કેસનો સફળતાપૂર્વક ઉકેલ આવ્યો છે. આરોપીઓ અગાઉ પણ અનેક ચોરીના બનાવોમાં સંડોવાયેલા છે. હાલમાં ચોરાયેલો મુદ્દામાલ રિકવર કરવા તેમ જ આ આંતરરાજ્ય નેટવર્કમાં અન્ય કોઈ સાથીદારો સામેલ છે કે કેમ એ દિશામાં વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.’