ચોરોએ મહાદેવને પણ ન બક્ષ્યા, ખોપોલીના મંદિરમાંથી ૧૧ કિલો ચાંદીનું મહોરું લૂંટ્યું

22 July, 2026 07:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મરાઠાકાળના પ્રાચીન વીરેશ્વર મંદિરમાંથી મહોરા ઉપરાંત કીમતી વસ્તુઓ પણ ચોરાઈ

મહાદેવના શિવલિંગ પરથી ચોરાયેલું ચાંદીનું મહોરું.

અપર ખોપોલીમાં આવેલા પ્રાચીન વીરેશ્વર મંદિરમાં મહાદેવના શિવલિંગ પર ગોઠવવામાં આવેલું ૧૧ કિલોનું ચાંદીનું મહોરું ચોરી થયાની ઘટના સામે આવી છે. રવિવારે મધરાત બાદ બેથી ૩ વાગ્યા દરમ્યાન આ ચોરી થઈ હોવાનું માનવામાં આવે છે. 

ખોપોલી પોલીસે આ મામલે કેસ નોંધીને CCTV કૅમેરાનું ફુટેજ તથા ફૉરેન્સિક પુરાવા એકઠા કરવાનું શરૂ કરીને ચોરોની શોધ શરૂ કરી છે. પોલીસે જણાવ્યા અનુસાર ચોરી થયેલા ૧૧ કિલોના મહાદેવના ચહેરા જેવા દેખાતા ચાંદીના મહોરાની કિંમત ૫.૫ લાખ રૂપિયાની હતી, જે શિવલિંગને અનુરૂપ બેસે એ રીતે ગોઠવવામાં આવતું હતું. ચોરોએ ચાંદીના મહોરા ઉપરાંત મંદિરમાં રહેલી અન્ય કીમતી વસ્તુઓ પણ લૂંટી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વીરેશ્વર મંદિર મરાઠાકાળનું મંદિર માનવામાં આવે છે જે પેશવાઓના શાસનકાળ દરમ્યાન પણ ખૂબ જ માનીતું હતું અને એની ખૂબ જ સારી રીતે જાળવણી કરવામાં આવી હતી. 

પાછળનો દરવાજો તોડીને ઘૂસ્યા બદમાશો
પોલીસે જણાવ્યા મુજબ ચોરોએ મંદિરના પાછળના દરવાજાનું તાળું કોઈ ટૂલ વડે ખોલ્યું હતું અને ત્યાંથી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરીને ચોરી કરી હતી. ચોરી થઈ એ પહેલાં અનેક કલાકો સુધી ચોરો મંદિરના પરિસરમાં જ છુપાયેલા હોવાની શક્યતા છે. યોજનાબદ્ધ રીતે આ ચોરી કરવામાં આવી હતી. રાયગડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટે ફૉરેન્સિક પુરાવા એકઠા કરીને તપાસ શરૂ કરી છે.

mumbai news mumbai khopoli Crime News mumbai crime news mumbai police