16 November, 2025 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વર્ષા ગાયકવાડ
મહા વિકાસ આઘાડી (MVA)માં થઈ રહેલી ખેંચતાણ સપાટી પર આવી ગઈ છે. મુંબઈ કૉન્ગ્રેસનાં પ્રમુખ અને સંસદસભ્ય વર્ષા ગાયકવાડે ગઈ કાલે જાહેરાત કરી હતી કે કૉન્ગ્રેસ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નું ઇલેક્શન એકલા હાથે લડવાની તૈયારી કરી રહી છે.
ગઈ કાલે પાર્ટીની એક બેઠકમાં વર્ષા ગાયકવાડે પાર્ટી આ જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘આપણે કૉન્ગ્રેસના કૉર્પોરેટરો ચૂંટાય એ માટે મહેનત કરવાની છે. તમામ ૨૨૭ બેઠકો માટે આપણે તૈયારી કરવાની છે.’
વર્ષા ગાયકવાડે કૉન્ગ્રેસના મહાસચિવ રમેશ ચેન્નીથલા અને મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાલ સહિતના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં આ નિવેદન આપ્યું હતું.નોંધનીય છે કે શિવસેના (UBT)ના ચીફ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે હવે સાથે મળીને ચૂંટણી લડી શકે એમ છે એવી શક્યતા વચ્ચે કૉન્ગ્રેસના ઘણા કાર્યકરો અને નેતાઓ એકલા ચૂંટણી લડવાની માગણી કરી રહ્યા હતા.
અગાઉ પત્રકારોએ જ્યારે કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી રમેશ ચેન્નીથલાને પૂછ્યું હતું કે શું પાર્ટી BMCની ચૂંટણી એકલા હાથે લડશે? ત્યારે તેમણે કહ્યું હતું કે આવા નિર્ણયો પાર્ટીના લોકલ યુનિટ પર છોડી દેવામાં આવ્યા છે.
કાર્યકરોને આગામી બે મહિના સુધી મેદાનમાં ઉતારીને કમર કસવા અને મતદારયાદી બાબતે સતર્ક રહેવા માટે હાકલ કરીને વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે અમે કેન્દ્રીય નેતૃત્વને જણાવી દીધું છે કે કૉન્ગ્રેસના નેતાઓ અને કાર્યકરો સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે મળીને એકલા હાથે લડવા માગે છે.
શું કૉન્ગ્રેસ પાસે એકલા લડવાની હિંમત છે? : આશિષ શેલાર
મહારાષ્ટ્રના મિનિસ્ટર અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા આશિષ શેલારે ગઈ કાલે BMCની ચૂંટણી એકલા લડવાના કૉન્ગ્રેસનાં સંસદસભ્ય વર્ષા ગાયકવાડના નિવેદન સામે કટાક્ષ કરતાં પૂછ્યું હતું કે ‘શું દેશની સૌથી જૂની પાર્ટી પાસે આવો નિર્ણય લેવાની હિંમત છે? શું તેમની પાસે એ માટેનો જનાધાર છે? કૉન્ગ્રેસ પાસે નેતા કે કાર્યકરો બચ્યા છે? અરે, શું કૉન્ગ્રેસના નામે વોટ બચ્યા છે? સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા માટે હિંમતની જરૂર છે અને એ જોવાનું બાકી છે કે શું કૉન્ગ્રેસ પાસે એવી હિંમત છે?’