સવારે નાસ્તો લેવા ઘરેથી નીકળેલા ગુજરાતી સિનિયર સિટિઝન પાછા જ ન આવ્યા

13 March, 2026 11:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટેમ્પો-ડ્રાઇવર પપ્પાને સારવાર માટે હૉસ્પિટલમાં તરત જ લઈ ગયો હોત તો અમારી વચ્ચે હોત.. આવું કહેવું છે રણજિત કાપડિયાના પુત્રનું; વસઈમાં ટેમ્પોએ પાછળથી મારેલી ટક્કરથી મોટરસાઇકલ પર જતા ૭૫ વર્ષના વડીલનું મૃત્યુ, હિટ-ઍન્ડ-રન કેસમાં ટેમ્પોના ડ્રાઇવરની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

વસઈ-ઈસ્ટની એવરશાઇન સિટીમાં સ્કાય હાઇટ બિલ્ડિંગમાં રહેતા ૭૫ વર્ષના રણજિત કાપડિયાનું બુધવારે સવારે પૂરપાટ આવી રહેલા ટેમ્પોની અડફેટે આવતાં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ મામલે આચોલે પોલીસે હિટ-ઍન્ડ-રનનો કેસ નોંધીને ટેમ્પો-ડ્રાઇવરની ગઈ કાલે સવારે ધરપકડ કરી હતી. રણજિતભાઈ સવારે નાસ્તો લેવા માટે મોટરસાઇકલ પર ઘરેથી નીકળ્યા હતા. દરમ્યાન વસઈ-ઈસ્ટના સેક્ટર પાંચ નજીક પહોંચતાં પાછળથી આવેલા એક ટેમ્પોએ તેમની મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી જેને કારણે તેઓ બૅલૅન્સ ગુમાવીને રસ્તા પર પટકાયા હતા. ત્યાર બાદ ત્યાં ભેગા થયેલા લોકોએ તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ માથામાં થયેલી ગંભીર ઈજાને કારણે હૉસ્પિટલ પહોંચતાંની સાથે જ તેમનું મૃત્યુ થયું હતું.
જો ટેમ્પો-ડ્રાઇવર પપ્પાને ટક્કર મારીને ભાગી ન ગયો હોત અને તેમને તરત જ સારવાર માટે હૉસ્પિટલમાં લઈ ગયો હોત તો આજે મારા પપ્પા અમારી વચ્ચે હોત એમ જણાવતાં રણજિતભાઈના પુત્ર ભરત કાપડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું, મારા પપ્પા અને મમ્મી સાથે રહીએ છીએ. હું મલાડની એક કંપની માટે વર્ક ફ્રૉમ હોમ કરું છું. બુધવારે સવારે હું કામમાં વ્યસ્ત હતો ત્યારે સવારે લગભગ ૯ વાગ્યાની આસપાસ પપ્પા નાસ્તો લેવા માટે ઘરેથી મોટરસાઇકલ પર નીકળ્યા હતા. લગભગ એક કલાક બાદ અમારા વૉચમૅને ઘરે આવી પપ્પાનો અકસ્માત થયો હોવાની અને તેમને વસઈની એક ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી. હું તરત જ હૉસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં હાજર ડૉક્ટરે પપ્પાને મૃત જાહેર કર્યા હતા. જેઓ પપ્પાને હૉસ્પિટલમાં લઈ ગયા હતા તેમને હૉસ્પિટલ સુધી પહોંચવામાં ઘણો સમય લાગી ગયો હતો. ત્યાર બાદ જાણવા મળ્યું હતું કે પપ્પાને પાછળથી ટક્કર મારનાર ટેમ્પો-ડ્રાઇવર મદદ કરવા માટે ઊભો રહ્યા વગર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જો એ સમયે તે પપ્પાને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ ગયો હોત તો કદાચ પપ્પાનો જીવ બચી ગયો હોત.’

આચોલે પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર ભગવાન પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માતના સ્થળ નજીક લાગેલા ક્લોઝ્ડ સ​ર્કિટ ટેલિ​વિઝન (CCTV) કૅમેરાના ફુટેજના આધારે અમે ટેમ્પો-ડ્રાઇવરની ધરપકડ કરી છે. આ કેસમાં ટેમ્પો-ડ્રાઇવરે નશો કર્યો હતો કે નહીં એની પણ તપાસ કરવામાં આવી રહી છે.’

vasai road accident mumbai police mumbai mumbai news