24 August, 2026 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માતગ્રસ્ત વાહન
શ્રાવણ માસ નિમિત્તે વસઈના તુંગારેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જઈ રહેલા ભાઈંદરના એક પરિવાર માટે આ યાત્રા જીવલેણ સાબિત થઈ હતી. શુક્રવારે વહેલી સવારે મુંબઈ-અમદાવાદ હાઇવે પર પૂરઝડપે આવી રહેલી કન્ટેનર ટ્રકે બાઇકને ટક્કર મારતાં થયેલા અકસ્માતમાં દંપતીનું કરુણ મોત થયું હતું, જ્યારે તેમનો ૧૧ વર્ષનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો છે.
૪૫ વર્ષના રેવંતરામ સુથાર, તેમની ૪૦ વર્ષની પત્ની સરોજ અને ૧૧ વર્ષનો પુત્ર ભાવેશ બાઇક પર તુંગારેશ્વર શિવમંદિરે જઈ રહ્યાં હતાં. મુસાફરી દરમ્યાન અચાનક ભારે વરસાદ શરૂ થતાં પરિવાર રેઇનકોટ પહેરવા માટે હાઇવેના કિનારે થોડી ક્ષણો માટે રોકાયો હતો. ત્યાર બાદ જેવા તેઓ આગળ વધ્યા કે તરત પાછળથી આવી રહેલા એક કન્ટેનરે તેમની બાઇકને અડફેટે લીધી હતી, જેને કારણે ત્રણેય રોડ પર પટકાયાં હતાં.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાં સરોજ સુથારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે રેવંતરામ સુથારે શનિવારે સવારે સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો. હાલ તેમના ૧૧ વર્ષના પુત્ર ભાવેશની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.