લાઇટ ઑફ, ગરબા ઑન

30 September, 2022 10:09 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

ગરબા રમતી વખતે અચાનક પાવર જતાં ખેલૈયાઓના રંગમાં પડ્યો ભંગ : વસઈમાં કારની મ્યુઝિક સિસ્ટમ અને હેડલાઇટ્સની મદદથી લોકો ગરબે ઘૂમ્યા

વસઈમાં ગરબા રમતી વખતે અચાનક લાઇટ જતી રહેતાં લોકોએ કારની મ્યુઝિક સિસ્ટમ અને હેડલાઇટ પર રમ્યા ગરબા (તસવીર : હનીફ પટેલ)

કોરોનામાં બે વર્ષ જતા રહ્યા બાદ આ વર્ષે સાર્વજનિક અને સોસાયટીમાં રમાતી નવરાત્રિમાં મન મૂકીને લોકો ધૂમ મચાવી રહ્યા છે ત્યારે વસઈ-વિરારમાં પણ મોટા ભાગની બધી જ રેસિડેન્શિયલ સોસાયટીઓમાં નવરાત્રિ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગરબાનાં ગીતો ચાલુ હોય અને ખેલૈયાઓ મનથી ગરબા રમતા હોય ત્યારે જ અચાનક જો બત્તી ગુલ થાય તો ગરબા રમવાની મજા ફિક્કી પડી જાય. આવો અનુભવ વસઈની એક સોસાયટીના લોકોને થયો ત્યારે તેમણે ગરબા રમવાની તક ચૂકવાને બદલે રહેવાસીઓની પાર્ક કરેલી કાર ગ્રાઉન્ડમાં લાવીને એની મ્યુઝિક સિસ્ટમ અને લાઇટથી ગરબે ઘૂમ્યા હતા. બત્તી ગુલ થવાનું દુ:ખ મનાવવાની જગ્યાએ તેમણે ગરબા પ્રત્યેના પોતાના ઉત્સાહને મહત્ત્વ આપ્યું હતું.

વસઈ-વિરારમાં બત્તી ક્યારે ગુલ થઈ જાય એનું કંઈ નક્કી હોતું નથી અને એનાથી લોકોને અનેક સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. વસઈ-વેસ્ટના સમતાનગરમાં આવેલા મીનાનગરમાં બત્તી ગુલ થતાં જે સોસાયટીઓમાં જનરેટરની વ્યવસ્થા નહોતી ત્યાં લોકોના હાલ બેહાલ થયા હતા. જોકે એ વખતે અહીંની હરિઓમનગર સોસાયટીના લોકોએ દિમાગની બત્તી ઑન કરીને સોસાયટીના મોટા કમ્પાઉન્ડમાં બે કાર ઊભી રાખી હતી અને એની મ્યુઝિક સિસ્ટમ અને હેડલાઇટ્સની મદદથી ગરબા રમ્યા હતા.

સોસાયટીનું શું કહેવું છે?
વસઈના સિક્સ્ટી ફીટ રોડ પર આવેલી ૩૦ વર્ષ જૂની હરિઓમનગર સોસાયટીના ભૂતપૂર્વ સેક્રેટરી શિવાજી કાટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દૂર-દૂર કામ પર જતા લોકો ઉત્સાહથી સોસાયટીમાં ગરબા રમવા દોડતા આવે છે. ગરબા રમતી વખતે અચાનક રાતે સાડાઆઠ વાગ્યે લાઇટ જતી રહી હતી, પરંતુ અમે નક્કી કર્યું કે ગરબા બંધ થવા ન જોઈએ. ૨૭ વર્ષ પહેલાં અમે ઑડિયો કૅસેટ લગાવીને ગરબા રમતા હતા એ જૂની યાદ ફરી તાજી થઈ ગઈ હતી. એથી કારનો ઉપયોગ કરીને એના મ્યુઝિક અને લાઇટ્સની મદદથી ગરબા રમ્યા હતા.’

સોસાયટીના સેક્રેટરી ગિરીશ સોલંકીએ જણાવ્યું ૨હતું કે ‘અહીં હંમેશાં તહેવારોમાં જ લાઇટ જતી રહેતી હોય છે. જોકે બે વર્ષ બાદ લોકો નવરાત્રિમાં ગરબા રમી શક્યા છે અને એકબીજાને મળી શકે છે. આમ તો વારંવાર લાઇટ જતી હોય એને સહન કરીએ જ છીએ, પરંતુ ગરબા વખતે લાઇટ ન જાય એનું મહાવિતરણ ધ્યાન રાખે તો સારું કહેવાય.’

mumbai mumbai news navratri vasai preeti khuman-thakur