27 November, 2025 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વસઈ-ઈસ્ટની સ્કૂલ
વસઈ સ્કૂલ ટ્રૅજેડી : હાઈ કોર્ટના અસિસ્ટન્ટ રજિસ્ટ્રારે MBVV પોલીસ-કમિશનર અને VVMC કમિશનરને તપાસ માટે નિર્દેશ આપ્યો
વસઈની સ્કૂલમાં મોડી આવવા બદલ ૧૧ વર્ષની છોકરીને ૧૦૦ ઊઠબેસની સજા મળ્યા બાદ તેની તબિયત લથડતાં થયેલા મૃત્યુના કેસમાં ઍડ્વોકેટ સ્વપ્ના કોડેએ બૉમ્બે હાઈ કોર્ટને આ કેસની નોંધ લેવા પત્ર લખીને વિનંતી કરી હતી. એથી બૉમ્બે હાઈ કોર્ટના અસિસ્ટન્ટ રજિસ્ટ્રારે મીરા-ભાઈંદર વસઈ-વિરાર (MBVV)ના પોલીસ-કમિશનર અને વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC)ના કમિશનરને આ બાબતે તપાસ કરવા જણાવ્યું હતું.
ઍડ્વોકેટ સ્વપ્ના કોડેએ બૉમ્બે હાઈ કોર્ટને આ કેસમાં સુઓ મોટો લઈને રાજ્ય સરકાર અને ડિરેક્ટર જનરલ ઑફ પોલીસને નોટિસ ઇશ્યુ કરી કેસની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નું ગઠન કરવાની વિનંતી કરી હતી તથા છોકરીના મૃત્યુ અને સ્કૂલમાં ચાલતી ગેરરીતિઓ બદલ તપાસ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે સ્કૂલ-મૅનેજમેન્ટ અને ટીચર સામે પણ આ બદલ ગુનો દાખલ કરવાની માગણી કરી હતી. આ ઉપરાંત સ્કૂલમાં નવાં ઍડ્મિશન રોકવાની અને સ્કૂલનું રજિસ્ટ્રેશન રદ કરવાની માગણી કરી હતી.