વસઈ સ્કૂલ-ટ્રૅજેડી : પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં વિદ્યાર્થિની એનીમિક હોવાનો ખુલાસો

19 November, 2025 07:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૦૦ ઊઠકબેઠકને કારણે વિદ્યાર્થિનીના શરીરને શ્રમ પડ્યો હતો કે નહીં એની સ્પષ્ટતા કેમિકલ ઍનૅલિસિસ પછી થશે

જીવ ગુમાવનાર વિદ્યાર્થિની

વસઈની શ્રી હનુમંત વિદ્યા મંદિર સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને ૧૦૦ ઊઠકબેઠકની શિક્ષા કરવામાં આવી એ પછી તબિયત લથડતાં તેણે જીવ ગુમાવ્યો હતો. આ વિદ્યાર્થિનીના મૃતદેહના પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અનુસાર તેને એનીમિયા હતું. એનીમિયા એવી સ્થિતિ છે જેમાં શરીરમાં પૂરતા પ્રમાણમાં લાલ રક્તકણો ઉત્પન્ન થતા નથી, એના કારણે થાક અને નબળાઈ લાગે છે. સાથે જ બરોળ પણ મોટી થઈ ગઈ હોવાનું રિપોર્ટમાં જણાયું હતું. આ વાતની જાણ હોવા છતાં ટીચરે તેને તેના શરીરને અનુકૂળ ન હોય એવી શિક્ષા ફટકારી હતી એવો દાવો વિદ્યાર્થિનીના પરિવારે કર્યો હતો.

જોકે સ્કૂલ પ્રશાસને દાવો કર્યો હતો કે સજા આપનાર ટીચર મમતા યાદવને ખ્યાલ નહોતો કે જે ૫૦ સ્ટુડન્ટ્સને સજા કરવામાં આવી છે, એમાં આ વિદ્યાર્થિની પણ હતી.

પોલીસે અત્યારે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધ્યો છે. હજી વિદ્યાર્થિનીનાં આંતરિક અંગોનું કેમિકલ ઍનૅલિસિસ બાકી છે. જો રિપોર્ટમાં તેનું મૃત્યુ શારીરિક તનાવ અથવા શ્રમને કારણે થયું હોવાનું જણાશે તો આ કેસમાં ફર્સ્ટ ઇન્ફર્મએશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવશે એમ એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું.

mumbai news mumbai vasai Crime News mumbai crime news Education