વસઈમાં વિદ્યાર્થિનીના મૃત્યુ પછી સ્કૂલ કહે છે...

17 November, 2025 08:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો પોસ્ટમૉર્ટમમાં સાબિત થયું કે ઊઠકબેઠકને કારણે વિદ્યાર્થિનીનો જીવ ગયો તો અમારી ભૂલ સ્વીકારીશું

જીવ ગુમાવનાર વિદ્યાર્થિની

વસઈની શ્રી હનુમંત વિદ્યા હાઈ સ્કૂલમાં ૧૨ વર્ષની વિદ્યાર્થિનીને મોડી આવવાથી ૧૦૦ ઊઠકબેઠક કરવાની સજા આપવામાં આવી હતી. એ પછી ઘરે ગયા બાદ વિદ્યાર્થિનીની તબિયત લથડી હતી અને સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. આ બાબતે વાલીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. પોલીસે આ ઘટનામાં ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને તપાસ હાથ ધરી છે. જોકે સ્કૂલ મૅનેજમેન્ટના અધિકારી વિકાસ યાદવે કહ્યું હતું કે ‘જો વિદ્યાર્થિનીના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં એવું આવશે કે તેને આપવામાં આવેલી ઊઠકબેઠકની સજાને કારણે તેનું મોત થયું છે તો સ્કૂલ તેની ભૂલ સ્વીકારવા તૈયાર છે. અમે ઑટોપ્સી રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.’

વિદ્યાર્થિની સ્કૂલમાં મોડી પહોંચી હતી એટલે તેને અને અન્ય ચાર વિદ્યાર્થીઓને ૧૦૦ ઊઠકબેઠક કરવાની સજા આપવામાં આવી હતી. આ કેસમાં એવી પણ માહિતી સામે આવી હતી કે વિદ્યાર્થિનીને પહેલેથી જ અસ્થામાની તકલીફ હતી. રાજ્યના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના વસઈના ઑફિસર પાંડુરંગ ગલાંગેએ કહ્યું હતું કે અમે આ ઘટનાની વિગતો મગાવી છે અને એ બાબતે તપાસ કરવામાં આવશે.

mumbai news mumbai vasai Crime News mumbai crime news mumbai police maharashtra news