✕

News in Shorts: ૧૮ મહિનાની બાળકીને ડક્ટમાં ફેંકી દેનારી ૧૦ વર્ષની છોકરી સામે હત્યાનો આરોપ દાખલ

22 October, 2026 08:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કેસમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને બાળકી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ઘટનાના દિવસનું CCTV ફુટેજ.

ગોરેગામના એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ૧૮ મહિનાની બાળકીને ડક્ટમાં ફેંકીને મોતને ઘાટ ઉતારવાના આરોપસર મુંબઈમાં ૧૦ વર્ષની સગીરા સામે મંગળવારે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર ૧૪ ઑક્ટોબરે બાળકીના મૃત્યુ બાદ સોસાયટીના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવતાં આ સનસનાટીભરી ઘટનાનો પર્દાફાશ થયો હતો. બાળકી પોતાના છઠ્ઠા માળે આવેલા ફ્લૅટની બહાર લૉબીમાં બિલાડી સાથે રમી રહી હતી ત્યારે અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવારે શોધખોળ શરૂ કરતાં તે બિલ્ડિંગના બેઝમેન્ટમાંથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને બેભાન હાલતમાં મળી આવી હતી. બાળકીને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

શરૂઆતમાં પોલીસે આ મામલે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધ્યો હતો. જોકે પરિવારજનોએ બાળકીના મોત પાછળના સંજોગો વિશે શંકા વ્યક્ત કરીને ઊંડી તપાસ કરવાની માગણી કરી હતી.

પોલીસે તપાસ દરમ્યાન બિલ્ડિંગનાં CCTV ફુટેજ ચકાસ્યાં હતાં. ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) અનુસાર ફુટેજમાં જોવા મળ્યું હતું કે ૧૦ વર્ષની છોકરી આ નાની બાળકીને ઊંચકીને લિફ્ટની જમણી બાજુએ આવેલા ડક્ટમાં નીચે ફેંકી દે છે અને ત્યાર બાદ દોડીને પોતાના ઘર તરફ જતી રહે છે.

પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ અને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (CWC)ની સૂચનાઓ મળ્યા બાદ ૧૦ વર્ષની છોકરી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૧૦૩ (૧) (હત્યા) હેઠળ FIR દાખલ કરવામાં આવ્યો છે.

આ કેસમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને બાળકી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

બંગાળી બમ્બૈયાઓએ મનાવ્યો સિંદૂર ખેલા

નવરાત્રિમાં દુર્ગા પૂજા ઉત્સવના છેલ્લા દિવસે દુર્ગા માતાને વિદાય આપવાના પ્રસંગે સિંદૂર ખેલાની પરંપરા હોય છે જેમાં પરિણીત મહિલાઓ એકબીજાના માથામાં સિંદૂર પૂરે છે અને પછી એકબીજાના મોં પર સિંદૂર લગાડીને ઉજવણી કરે છે. ગઈ કાલે દાદરના શિવાજી પાર્કમાં આવેલી બૅન્ગૉલ ક્લબ દ્વારા દુર્ગા પૂજા અને સિંદૂર ખેલાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મહિલાઓ એકબીજાને સિંદૂર લગાવીને આનંદ કરતી નજરે પડે છે. તસવીર : અતુલ કાંબળે

વાશીના કોપરી તળાવમાં નવરાત્રિના ઘટવિસર્જનના પૈસા શોધવા ઊતરેલાં બે બાળકો ડૂબી ગયાં

નવી મુંબઈમાં વાશીના કોપરી ગામના તળાવમાં નવરાત્રિ ઉત્સવ દરમ્યાન દેવીની મૂર્તિઓ અને ઘટોના વિસર્જન બાદ તળાવમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલા સિક્કા શોધવા માટે પાણીમાં ઊતરેલાં બે માસૂમ બાળકોનાં ડૂબી જવાથી મોત થયાં છે. બાળકોની ઓળખ ૧૦ વર્ષના ગોલુ મન્સૂરી અને ૧૨ વર્ષના ગણેશ ગુપ્તા તરીકે થઈ છે.

મંગળવારે વિસર્જન બાદ તળાવમાં પધરાવેલા પૈસા એકઠા કરવા માટે ગોલુ અને ગણેશ પોતાના અન્ય મિત્રો સાથે ગઈ કાલે સવારે તળાવના પાણીમાં ઊતર્યા હતા, પરંતુ પાણીની ઊંડાઈનો અંદાજ ન આવવાને કારણે તથા તળાવમાં જમા થયેલા કચરા અને કાદવ-કીચડના લીધે બન્ને બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં.

આ કરુણ ઘટના બાદ સ્થાનિક તળાવ ખાતે સુરક્ષાવ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ તળાવમાં બાળકોને નહાવા કે ઊતરતા રોકવા માટે સુરક્ષારક્ષકો તહેનાત કરવાની માગણી વારંવાર કરવામાં આવી હતી, પરંતુ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા પૂરતાં પગલાં લેવાયાં નહોતાં. તહેવારો દરમ્યાન તળાવ પર ભીડ વધતી હોવાથી આવા અકસ્માતો રોકવા કડક સુરક્ષા આપવી જરૂરી હતી. સ્થાનિક પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખારમાં રોડ કિનારે મળી નવજાત બાળકી

ખાર-વેસ્ટના નરગિસ દત્ત રોડ પર એક સોસાયટી નજીક મંગળવારે મોડી રાત્રે એક-બે અઠવાડિયાંની નવજાત બાળકી મળી આવતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે ખાર પોલીસે અજ્ઞાત વ્યક્તિ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પૅટ્રોલિંગ ટીમને કન્ટ્રોલ-રૂમ દ્વારા માહિતી મળતાં તેઓ ત્વરિત ઘટનાસ્થળે દોડી ગયા હતા. એક ઝાડ નીચે ગુલાબી કપડામાં વીંટીને મૂકેલી આ માસૂમ બાળકીને કબજામાં લેવામાં આવી હતી.

ખાર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંતોષ કાટેએ ‘મિડ-ડે`ને કહ્યું હતું કે `અમારા અધિકારીઓએ તાત્કાલિક નવજાત બાળકીને સારવાર તથા સુરક્ષા માટે બાંદરાસ્થિત ભાભા હોસ્પિટલ ખાતે રવાના કરી હતી. બાળકીને ખુલ્લામાં આ રીતે બેવારસ હાલતમાં છોડી દેનાર અજ્ઞાત વાલીઓ કે વ્યક્તિઓ સામે કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈને ગુનો નોંધીને તપાસ ચલાવી રહ્યા છીએ. આસપાસના વિસ્તારોના CCTV કેમેરાનાં ફુટેજ ચકાસવામાં આવી રહ્યાં છે અને આ અમાનવીય કૃત્ય કરનાર અજ્ઞાત વ્યક્તિ અથવા બાળકનાં માતા-પિતાની ઓળખ મેળવીને તેમની ધરપકડ કરવા માટે વિશેષ ટીમો કામે લગાડવામાં આવી છે. હાલમાં ભાભા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી આ માસૂમ બાળકીની તબિયત સ્થિર છે અને ડૉક્ટરોની દેખરેખ હેઠળ તેની કાળજી રાખવામાં આવી રહી છે.`

થાણેના અમુક વિસ્તારોમાં ૩૬ કલાક પાણીકાપ

થાણે વિસ્તારમાં આવેલા મુંબ્રા, દિવા, કળવા, માજિવડા-માનપાડા અને વાગળે એસ્ટેટના કેટલાક વિસ્તારોમાં ३६ કલાક માટે પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. ચાલુ વર્ષે ચોમાસા બાદ ઓછો વરસાદ અને ઑક્ટોબરથી મોન્સૂન વહેલું વિદાય લેવાના કારણે પ્રશાસનના નિર્ણય મુજબ ૧૦ ટકા પાણીકાપ મૂકવાનું નક્કી કરાયું છે. આ અંતર્ગત મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC)ના જાંભુળ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી થતો પાણીપુરવઠો ગુરુવારે રાતે ૧૨ વાગ્યાથી શનિવાર બપોરે ૧૨ વાગ્યા સુધી સળંગ ૩૬ કલાક માટે બંધ રાખવામાં આવશે. પાણી શરૂ થયા બાદ ૧-૨ દિવસ સુધી ઓછા દબાણથી પાણી આવશે જેથી નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અને કરકસરપૂર્વક ઉપયોગ કરી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

goregaon mumbai crime news mumbai news powai festivals navi mumbai mumbai