થાણે અને પાલઘરમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદ

02 July, 2026 11:42 AM IST  |  Thane | Gujarati Mid-day Correspondent

વસઈ અનેવિરારમાં અનેક રસ્તાઓ જળબંબાકાર, નદી-નાળાં ઊભરાયાં: પાલઘરમાં આજે રેડ અલર્ટના પગલે સ્કૂલો અને કૉલેજોમાં રજા જાહેર

વસઈમાં નાળામાં તણાઈ બે કાર, એકમાં તો ડ્રાઇવર પણ બેઠો હતો.

મુંબઈ સહિત આખા મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં બુધવારે મેઘરાજાએ ચોતરફ ફટકાબાજી કરી હતી. થાણે તથા પાલઘર જિલ્લાને પણ ઘમરોળ્યા હતા. ખાસ કરીને ત્યાંના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને ગટરો તથા નાળાંઓ ઊભરાઈ ગયાં હતાં. વસઈ-વિરારમાં પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોના મુખ્ય રસ્તાઓ જળમગ્ન થયા હતા. નાલાસોપારામાં રસ્તા પર પાણી રીતસર નદીની જેમ વહેતું દેખાયું હતું, જ્યારે પાલઘરમાં હવામાન વિભાગે આજે રેડ અલર્ટ જાહેર કરતાં પ્રશાસને સ્કૂલો અને કૉલેજોમાં આજે રજા જાહેર કરી છે. થાણેમાં આવતા ત્રણ દિવસ સુધી ભારે વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અંબરનાથ, કલ્યાણ અને ભિવંડીના અનેક વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા હતા. મુંબ્રા-શીળફાટા રોડ પાણીમાં એકાકાર થઈ ગયો હતો. મુંબઈ-નાશિક હાઇવે પર ચારથી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જૅમ થઈ ગયો હતો.

વસઈ-ઈસ્ટના રાજાવળીના વાઘરાળપાડામાં બે કાર વરસાદના કારણે છલકાઈ ગયેલા નાળામાં તણાઈ ગઈ હતી અને એમાંથી એકમાં તો ડ્રાઇવર બેઠો હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. જોકે કારના ડ્રાઇવરે સમયસર બહાર કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાનો વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો હતો. વસઈ-વિરાર વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પડતા વરસાદના કારણે નાળું ભરાઈ ગયું હતું અને એના પાણીનો વેગ એટલો બધો હતો કે એ કારને વહાવી ગયો હતો. તણાઈ ગયેલી કારની ટક્કર નાળા પર બાંધેલા એક પુલને લાગતાં એ પણ ટૂટી ગયો હતો. 

થાણેમાં ભારે વરસાદને કારણે ૩૬ કલાકમાં ૩૦ વૃક્ષો ધરાશાયી

થાણેમાં મંગળવારથી શરૂ થયેલો ભારે વરસાદ ગઈ કાલે પણ ચાલુ રહ્યો હતો, જેના કારણે થાણેમાં વૃક્ષો પડવાના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાયો હતો. મંગળવાર સવારથી ગઈ કાલે સાંજ સુધી ૩૬ કલાકમાં થાણેમાં ૩૦ વૃક્ષો ધરાશાયી થયાં હતાં અને ૨૫ જગ્યાએ મોટી ડાળીઓ તૂટી પડી હતી.આ દુર્ઘટનાઓમાં કેટલીક ગાડીઓને નુકસાન થયું છે, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. આ સિવાય થાણેમાં ૬ સ્થળોએ પાણી ભરાઈ ગયાં હતા. થાણેના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલને મંગળવારે અને ગઈ કાલે કુલ ૫૪ ફરિયાદો મળી હતી, જેમાં વૃક્ષો પડવાની સાથે એક જગ્યાએ ભેખડ ધસી પડવાની, સ્લૅબ અને નાળાની દીવાલ ધરાશાયી થવાની તેમ જ શૉર્ટ સર્કિટની ઘટનાઓનો સમાવેશ હતો.

mumbai news mumbai thane palghar monsoon news mumbai monsoon indian meteorological department vasai