ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી થાણે સ્ટેશન પાંચ મિનિટમાં

12 September, 2022 10:32 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધાના મામલે થાણેમાં પબ્લિક બસ સર્વિસ માટે અલાયદો ૨.૪ કિલોમીટરનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે

જાહેર બસસેવા માટેની અલાયદી લેનનું બાંધકામ શરૂ થયું છે (તસવીર : સમીર માર્કન્ડે)

થાણે શહેરે હવે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ સહિતની જાહેર પરિવહનની બસો માટે ૨.૪ કિલોમીટર લાંબા અલાયદા એલિવેટેડ રોડનું બાંધકામ શરૂ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી સુલભ બનાવવાની પહેલ હાથ ધરી છે. સ્ટેશન એરિયા ટ્રાફિક ઇમ્પ્રૂવમેન્ટ સ્કીમ (એસએટીઆઇએસ) પ્રોજેક્ટના ભાગરૂપે આ રોડ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી પૂર્વમાં થાણે સ્ટેશનને સાંકળે છે. ૨૬૬ કરોડ રૂપિયાના ખર્ચે આ લેન બનાવાઈ રહી છે.

આ અલાયદી લેનની સાથોસાથ થાણે ક્રીક પાસે રાહદારીઓ માટેના સ્કાયવૉકના મહત્ત્વના પ્રોજેક્ટનું બાંધકામ પણ અગ્રીમ તબક્કાએ ચાલી રહ્યું છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ફેબ્રુઆરી ૨૦૨૨માં જણાવ્યું હતું કે એસએટીઆઇએસ પ્રોજેક્ટની સમયમર્યાદા ૧૫ મહિનાની હતી અને સ્કાયવૉક પણ માર્ચ ૨૦૨૩ સુધી તૈયાર થઈ જવો જોઈએ.
અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે એસએટીઆઇએસનો સમાન પ્રકારનો પ્રોજેક્ટ સ્ટેશનની પશ્ચિમે અગાઉ અમલમાં મુકાયો હતો, પણ એ પ્રોજેક્ટની ખામીઓમાંથી શીખ મેળવીને આ અપગ્રેડેડ વર્ઝન તૈયાર કરવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે એ જાહેર પરિવહનની બસ, ઑટો-ટૅક્સી અને રાહદારીઓનું વર્ગીકરણ કરવાની સાથોસાથ હાયર અપર ડેક જેવી સુવિધાથી સજ્જ હશે, જેથી ભારે અને ઇમર્જન્સીનાં વાહનો એ માર્ગનો ઉપયોગ કરી શકે.

અતિક્રમણથી છુટકારો
થાણેમાં રાહદારીઓ માટે ક્રીક પર સ્કાયવૉકનો અન્ય પ્રોજેક્ટ પણ આખરી તબક્કામાં છે. ૧૪૫ મીટરના પાથવે સાથેનો ૬૦૫ મીટરનો સ્કાયવૉક ૨૩.૨૫ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. એનાથી રેલવે ટ્રૅક્સ પર અતિક્રમણ અને સંબંધિત અકસ્માતોની ઘટના પર નિયંત્રણ મુકાશે. નદી પર થાણે અને કળવા વચ્ચે રેલવેલાઇનની સમાંતર બંધાઈ રહેલો આ સ્કાયવૉક સ્ટેશન નજીક ઝડપથી પહોંચાડશે. થાણેના ઉત્તર-પૂર્વ અને વિટવામાં રહેતા થાણે સ્ટેશનના પ્રવાસીઓ સામાન્ય રીતે રેલવેના પાટા પર ચાલીને જાય છે, આથી આવો સ્કાયવૉક બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

266 કરોડ 
એસએટીઆઇએસ પ્રોજેક્ટનો આટલા કરોડનો ખર્ચ

mumbai mumbai news eastern express highway thane rajendra aklekar