10 May, 2025 06:25 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પંડિત નીરજ પરીખ
અક્ષત પરીખના પિતા અને દિગ્ગજ ગાયક પંડિત નીરજ પરીખનું અકસ્માત બાદ ગઈ કાલે રાતે નિધન થયું હતું. અક્ષત નીરજ પરીખે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેમના નિધનના સમાચાર શૅર કરીને આ વાતની માહિતી આપી હતી.
પંડિત નીરજ પરીખ મેવાતી ઘરાનાના શાસ્ત્રીય ગાયક હતા. તેઓ પ્રખ્યાત ગાયક દિવંગત ગુરુ કૃષ્ણકાંત પરીખના સૌથી મોટા દીકરા હતા, સંગીત જાણે તેમના જીવનનો પર્યાય બની ગયું હતું. પિતાના સંરક્ષણમાં ગાયક તરીકે ખીલ્યા અને સંગીત માર્તંડ પદ્મ વિભૂષણ પંડિત જસરાજના ગંડાબંધ શિષ્ય એટલે કે ગુરુ-શિષ્ય પરંપરા પ્રમાણે પરિપક્વ થયા. પંડિત નીરજ પરીખે પિતા સાથે યાત્રા કરીને અને આખા વિશ્વમાં પંડિત જસરાજના સંગીત સમારોહમાં તેમની સાથે રહીને સંગીતની ઝીણામાં ઝીણી બાબતો શીખી. પંડિતજી સાથે તેમની સંગીત યાત્રા વર્ષો જૂની રહી અને આ અનુભવ તેમના મનમાં ખાસ હતો.
પંડિત નીરજ પરીખના ટેલીવિઝન સિરીઝ માટે પણ સંગીત નિર્દેશન અને બૅકગ્રાઉન્ડ સિંગિંગના પ્રયત્નોને વખાણવામાં આવ્યા. તેમણે ટોચના ભારતીય નર્તકો સાથે મળીને કથક, ભરતનાટ્યમ અને ઓડિસી નૃત્ય-શૈલીઓમાં તેમના શાસ્ત્રીય સંગીત બૈલેની રચના કરી. બૈલે માટે તેમના સંગીત નિર્દેશન અને ફ્યૂઝન એક્સપરીમેન્ટ્સે તેમને અનેક પુરસ્કાર પણ અપાવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પોતાના સાંસ્કૃતિક કાર્યક્રમો માટે તેમની સલાહ પર નિર્ભર છે.
નીરજ પરીખે ગુજરાત સંગીત નાટક એકેડેમી દ્વારા `લીડિંગ વોકલિસ્ટ એવોર્ડ`, `નવદીપ` એવોર્ડ અને ડિવાઇન લાઇફ મિશન, ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલ `સંગીત રત્ન` એવોર્ડ જેવા પુરસ્કારો જીત્યા છે.
નીરજ પરીખે ગાયકોની એક પેઢીને તૈયાર કરવા માટે પોતાને પ્રતિબદ્ધ કરીને તેમના પિતાના વારસાને આગળ ધપાવવાનું વચન આપ્યું. તેમના પિતાના અવસાન પછી, પરીખે તેમના પિતાના વિદ્યાર્થીઓને પોતાના હેઠળ લીધા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે નમ્ર પ્રયાસો કર્યા. આ વિદ્યાર્થીઓને વિવિધ પ્લેટફોર્મ પર સ્ટેજ પર પરફોર્મ કરતા જોવું તેમના માટે ગર્વની ક્ષણ હતી.
પંડિત નીરજ પરીખના નિધનથી સંગીતજગતમાં ન પૂરી શકાય તેવી ખોટ વર્તાઈ છે. તેમના અનેક ચાહકોએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. તેમના શિષ્ય પણ તેમના નિધનથી દુઃખી છે. નિશિત મહેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરી છે જેમાં તેમણે લખ્યું છે કે પંડિત નીરજ પરીખ ઉદયપુરથી અમદાવાદ જઈ રહ્યા હતા આ દરમિયાન તેમના અકસ્માત બાદ તેમનું મોત નીપજ્યું. તેમના નિધનથી સંગીત જગતને મોટી ખોટ વર્તાઈ છે.
નોંધનીય છે કે, બૉલિવૂડ અને ઢોલીવૂડમાં ખૂબ જ પ્રખ્યાત એવા અક્ષત પરીખે બંદિશ બૅન્ડિટ્સની બે સિરીઝ જેવી મોસ્ટ સક્સેસફુલ બે સિરીઝમાં જબરજસ્ત કામ કર્યું છે. જેમના કામ માટે તેમને વધાવવામાં આવ્યા. આ સિવાય તેમણે ગુજરાતી ફિલ્મ વિકીડાનો વરઘોડો ફિલ્મ માટે પણ મ્યૂઝિક આપ્યું છે.