બુરખો પહેરીને ફરતા રિક્ષાવાળાને બાળકોનો કિડનૅપર સમજીને લોકોએ ટીપી નાખ્યો

23 December, 2025 10:54 AM IST  |  vikhroli | Gujarati Mid-day Correspondent

ઘાટકોપરની ઘટના : હકીકતમાં ઑટો-ડ્રાઇવર તૌસિફ શેખ પૈસા આપ્યા વગર જતા રહેલા પૅસેન્જરોને છૂપી રીતે શોધી રહ્યો હતો એમાં ગેરસમજ થઈ

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

મુંબઈ અને નવી મુંબઈમાં બાળકોને ઉપાડી જતી ટોળી સક્રિય થઈ હોવાના સાચાખોટા સમાચાર પછી રોજ બાળકને ઉપાડી જવાની એક ઘટના સોશ્યલ ‌મીડિયા પર વાઇરલ થાય છે જેને કારણે લોકોમાં જોરદાર ફફડાટ ફેલાયો છે. આ ફફડાટ અને ગભરાટના માહોલમાં ગઈ કાલે સવારે ઘાટકોપર (વેસ્ટ)ની મદીના મસ્જિદ પાસે પોતાના રિક્ષાભાડાના પૈસા વસૂલ કરવા બુરખો પહેરીને ગયેલા ૩૩ વર્ષના તૌસિફ મોહમ્મદ શેખને વેશપલટો કરવાનું ભારે પડ્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ તૌસિફ શેખને બાળકોને ઉપાડી જતી ટોળીનો સભ્ય સમજીને ટીપી નાખ્યો હતો અને ત્યાર બાદ વિક્રોલી પાર્કસાઇટ પોલીસને સોંપ્યો હતો. જોકે પોલીસ તપાસમાં તે નિર્દોષ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. 

વિક્રોલી પાર્કસાઇટની ચંદ્રભાગા સોસાયટીના રહેવાસી તૌસિફે બે દિવસ પહેલાં અમુક પૅસેન્જરોને આનંદ ગડ નાકા પાસે છોડ્યા હતા જ્યાં પૅસેન્જરો સાથે વિવાદ થતાં પૅસેન્જરો તેનું ભાડું આપ્યા વગર જતા રહ્યા હતા. એ લોકોને શોધવા તૌસિફ બુરખો પહેરીને ફરતો હતો. ગઈ કાલે સવારે ૧૧.૩૦ વાગ્યે બુરખો પહેરીને ફરી રહેલા તૌસિફને પકડીને તે બાળકોના અપહરણ કરતી ટોળીનો સભ્ય છે એવી શંકા કરીને તેને ફટકારીને લોકોએ પોલીસને સોંપ્યો હતો. 

આ માહિતી આપતાં વિક્રોલી ‌પાર્કસાઇટના પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાળકોનું અપહરણ કરતી ટોળીના એક સભ્યને પકડ્યો હોવાના પોલીસ-કન્ટ્રોલમાંથી સમાચાર મળતાં જ અમારી વૅન તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અમે તૌસિફને પૂછપરછ કરવા માટે તાબામાં લીધો હતો. ત્યાર પછી તેની પૂછપરછ કરતાં અમને જાણવા મળ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓએ સોશ્યલ મીડિયામાં બાળકોના અપહરણ કરતી ટોળી મુંબઈમાં સક્રિય બની હોવાના સમાચારને કારણે બુરખામાં ફરી રહેલા તૌસિફ શેખ પર શંકા કરી હતી. આ એક મિસઅન્ડરસ્ટૅન્ડિંગનો હોવાની જાણકારી મળ્યા બાદ અમે તૌસિફને છોડી મૂક્યો હતો.’

mumbai news mumbai navi mumbai vikhroli social media Crime News