19 November, 2025 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરોપી યશ, સાહિલ, કરિશ્મા અને ઉષાને પોલીસે ઝડપી લીધાં હતાં.
સસ્તામાં ફ્લૅટ અપાવવાની લાલચે ૧૦ લાખ પડાવ્યા, ડીલ અટવાઈ એટલે કામ પૂરું કરવા માટે બાબા બાગેશ્વરના નામે પૂજાવિધિ માટે પાંચ લાખ રૂપિયા અને દાગીના પડાવ્યા, અંતે પ્રસાદ ખવડાવી બેહોશ કરીને વધુ દાગીના લૂંટી લીધા, આરોપીઓ પાસેથી પોલીસે 7 લાખ રિકવર કર્યા
થોડા દિવસ પહેલાં વિલે પાર્લેમાં રહેતાં ૭૭ વર્ષનાં ગુજરાતી મહિલા પાસેથી તેમના બીમાર પતિના ઇલાજ માટે બાબા બાગેશ્વરના AI-જનરેટેડ અવાજનો સહારો લઈને ૩,૫૫,૦૦૦ રૂપિયા લૂંટી લીધા હોવાનો કિસ્સો બન્યો હતો. હવે ઉલ્હાસનગરના કૅમ્પ-નંબર ચારમાં શિવનેરી હૉસ્પિટલ નજીક એકલાં રહેતાં ૭૦ વર્ષના શકુંતલા આહુજા સાથે બાગેશ્વર બાબાના નામે છેતરપિંડી થઈ હતી. આ મામલે વિઠ્ઠલવાડી પોલીસે રવિવારે ફરિયાદ નોંધી હતી અને સોમવારે પાંચેપાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. શકુંતલાબહેનના ઘરે કામ કરતી એક હાઉસહેલ્પ કરિશ્માએ એપ્રિલથી ઑક્ટોબર સુધીમાં આશરે ૨૪ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ફ્લૅટની લાલચ આપીને ૧૦ લાખ પડાવ્યા
શકુંતલાબહેન જન્મથી બન્ને પગે પોલિયોને લીધે હૅન્ડિકૅપ છે. તેમની જીવનભરની પૂંજી તેમના ઘરની હાઉસહલ્પે પડાવી લીધી હતી એમ જણાવતાં વિઠ્ઠલવાડી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અશોક કોલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શકુંતલાબહેન પાસે ઘરકામ કરતી કરિશ્માએ ૬૦ લાખની કિંમતનો ફ્લૅટ ૨૫ લાખમાં અપાવવાની લાલચ આપી હતી. શકુંતલાબહેન રાજ્ય સરકારના એક ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતાં હતાં અને થોડા સમય પહેલાં રિટાયર થયાં હોવાથી તેમની પાસે પૈસા હતા. ફ્લૅટ ખરીદવા શરૂઆતમાં શકુંતલાબહેને ૧૦ લાખ રૂપિયા કરિશ્માને આપ્યા હતા. પૈસા આપ્યા ફ્લૅટ વિશે શકુંતલાબહેન કરિશ્માને વારંવાર પૂછપરછ કરતાં હતાં, પણ તેણે અનેક બહાનાં બતાવી કોઈ યોગ્ય જવાબ આપ્યો નહોતો.’
છેતરપિંડીમાં બાગેશ્વર બાબાના નામની એન્ટ્રી
કરિશ્મા પાસે સતત પૈસાની માગણી અને ફ્લૅટ વિશે પૂછપરછ કરતાં તેણે બાગેશ્વર બાબાના નામે છેતરપિંડીને નવું સ્વરૂપ આપ્યું હતું એમ જણાવતાં અશોક કોલીએ કહ્યું હતું કે ‘કરિશ્માએ શકુંતલાબહેનને એવું પણ કહ્યું કે આ પ્રકારનાં કોઈ પણ કામ અટક્યાં હોય તો તે બાગેશ્વર બાબા દૂર કરી આપે છે. ત્યારે શકુંતલાબહેને પણ ફ્લૅટનું અટકેલું કામ પૂરું કરાવવા કરિશ્માએ એક યુવકને ફોન કરીને તેની ઓળખ બાગેશ્વર બાબા તરીકે આપીને શકુંતલાબહેન સાથે વાત કરાવી હતી. બાગેશ્વર બાબાના નામે ઓળખ આપનાર વ્યક્તિએ કળશપૂજાના બહાના હેઠળ પહેલાં પાંચ લાખ રૂપિયા અને પછી ૨૦ ગ્રામ દાગીના પડાવી લીધે હતા અને કહ્યું હતું કે પૈસા અને દાગીના પૂજા પછી પાછા મળી જશે.’
છેલ્લે બેહોશ કરીને દાગીના તફડાવ્યા
અશોક કોલીએ ઉમેર્યું હતું કે ‘કરિશ્માએ શનિવારે સવારે શકુંતલાબહેનને ફોન કરીને કહ્યું હતું કે બાગેશ્વર બાબાનો પ્રસાદ લઈને એક યુવક તમારા ઘરે આવશે એ તમે ખાજો એટલે તકલીફો દૂર થઈ જશે. શનિવારે એક વ્યક્તિ શકુંતલાના ઘરે બાબાનો પ્રસાદ લઈને આવી હતી. એ ખાધા પછી શકુંતલાબહેન બેભાન થઈ ગયાં હતાં. પ્રસાદ લઈને આવેલો યુવક પાંચ ગ્રામ દાગીના લઈને નાસી ગયો હતો. એ રાતે ભાઈ તેમને મળવા ગયો ત્યારે શકુંતલાબહેન બેભાન હાલતમાં હતાં. તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં.’
પાંચ આરોપી પકડાયા, ૭ લાખના દાગીના રિકવર
વિઠ્ઠલવાડીના પોલીસ-ઇન્સ્પેક્ટર બંકટ દારાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વૃદ્ધ મહિલા પાસેથી પૈસા પડાવી લેવાના આરોપમાં મુખ્ય આરોપી ૪૮ વર્ષની કરિશ્મા દુધાની સહિત ૪૯ વર્ષની ઉષા શર્મા, ૨૬ વર્ષનો નવીન શર્મા, ૨૬ વર્ષનો સાહિલ દુધાની અને બાવીસ વર્ષના યશ શર્માની ધરપકડ કરવામાં આવી છે. વૃદ્ધ મહિલા પાસેથી પડાવી લીધેલા ૭ લાખ રૂપિયાના દાગીના રિકવર કરવામાં આવ્યા છે. આરોપીએ છેતરપિંડી કરીને પડાવેલા રૂપિયા તેમણે મોજમજામાં ખર્ચી નાખ્યા હતા. આ કેસમાં અન્ય બે આરોપીની શોધખોળ ચલાવી રહ્યા છીએ.’