મુંબઈ ઍરપોર્ટને જોડતી મેટ્રો 7Aના કામમાં ભોપાળું: ૨૬૦ કરોડથી વધુનું નુકસાન થઈ શકે

28 August, 2026 05:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઊંચાઈના નિયમોના લીધે મેટ્રો 7Aના ઓવરહેડ એલિવેટેડ બ્રિજનો ભાગ તોડવો પડશે

પ્રતીકાત્મક તસવીર

અંધેરી-ઈસ્ટથી મુંબઈ ઍરપોર્ટ સુધીની મેટ્રો 7Aના પ્લાનિંગ અને ડિઝાઇનિંગની દેખરેખ રાખનાર કન્સલ્ટન્ટ દ્વારા ઍરપોર્ટ ઑથોરિટીની ઊંચાઈની મર્યાદાને યોગ્ય રીતે ધ્યાનમાં ન લેવાના કારણે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ની મુશ્કેલીઓ વધી છે. નિયમોના ઉલ્લંઘનના કારણે ઓવરહેડ એલિવેટેડ બ્રિજના અગાઉથી બની ચૂકેલા એક ભાગને તોડીને ફરીથી બનાવવાની નોબત આવી શકે છે જેના કારણે આ મેટ્રો લાઇનના ઉદ્ઘાટનમાં વિલંબ થઈ શકે છે.

MMRDA છેલ્લાં બે વર્ષથી વધુ સમયથી મિનિસ્ટ્રી ઑફ સિવિલ એવિએશન, ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા અને મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડ સાથે આ પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો વર્તમાન ઊંચાઈને મંજૂરી નહીં મળે તો અસરગ્રસ્ત ભાગ પર ઓવરહેડ ઇક્વિપમેન્ટનું કામ આગળ વધી શકશે નહીં જેના કારણે બાકીનું સિસ્ટમવર્ક અટકી જશે.
જો હાલના સિવિલ સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવાની ફરજ પડશે તો આ બ્રિજનો ભાગ તોડીને ફરીથી બનાવવાનો અંદાજિત ખર્ચ ૨૬૦ કરોડ રૂપિયાથી વધુ થઈ શકે છે. આ ઉપરાંત સમયનો વ્યય થશે અને ટ્રાફિકની સમસ્યાઓ પણ ઊભી થશે.

ઍરપોર્ટ-બાઉન્ડ એક્સટેન્શન પર સિવિલ વર્ક્સ પહેલાંથી જ શરૂ થઈ ગયું છે. મેટ્રો 7Aનું કામ ૭૧ ટકા પૂર્ણ થયું છે, જ્યારે ઍરપોર્ટ કૉલોની એલિવેટેડ સ્ટેશન પર કામ લગભગ ૮૨ ટકા તૈયાર છે. 

અન્ડરગ્રાઉન્ડ લાઇન માટે પણ સમસ્યા
મેટ્રો 7A ઍરપોર્ટ તરફ જતા અન્ડરગ્રાઉન્ડ સેક્શન સાથે જોડાય છે જેથી આ તબક્કે બ્રિજની ઊંચાઈ વધારવી કે ઘટાડવી એ બાબત અન્ડરગ્રાઉન્ડ લાઇન માટે પણ સમસ્યા થઈ શકે છે. સમસ્યા ઓવરહેડ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ (OHE) અને મેટ્રોના સંચાલન માટે જરૂરી એલિવેટેડ સ્ટ્રક્ચરને લગતી છે. OHE સિસ્ટમને સમાવવા માટે વિવિધ સ્થળોએ ૨.૫ સેન્ટિમીટરથી ૨.૪ મીટર સુધીના વધારાના ક્લિયરન્સ જરૂરી છે. ઘણા વાયડક્ટ પૉકેટ્સને ૧.૩થી ૨.૨ મીટર વધારાની ઊંચાઈની જરૂર પડે એમ છે. 

mumbai news mumbai mumbai metro mumbai metropolitan region development authority