28 August, 2026 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પણ તનાવ ઊભો ન થાય એ માટે પરેલ અને લાલબાગ વિસ્તારમાં ગોઠવાયેલો પોલીસ-બંદોબસ્ત. તસવીર : સૈયદ સમીર અબેદી
લાલબાગ-પરેલ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે અચાનક તનાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. પરેલ વિસ્તારમાં આવેલી તકિયા મસ્જિદ નજીક ઈદના જુલૂસ દરમ્યાન બાઇકસવારો દ્વારા જોરથી હૉર્ન વગાડવાને કારણે સ્થાનિક લોકો સાથે બોલાચાલી થઈ હતી. આ મામલે ભોઈવાડા પોલીસે ૧૯ વર્ષના રેહાન મસૂદ સૈયદ, ૧૯ વર્ષના આદિલ ખાન અહમદ ખાન અને ૧૮ વર્ષના મિરાજ મોહમ્મદ ફિરોઝ રઈસની ધરપકડ કરી હતી. આ ઉપરાંત ટોળાની અન્ય અજાણી વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે. પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો તેમ જ મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે અન્ય આરોપીઓની શોધ માટે નજીકના વિસ્તારમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસવાનું શરૂ કર્યું છે. પોલીસે લોકોને અફવા પર વિશ્વાસ ન રાખવા આહવાન કર્યું છે.
શું ઘટના બની હતી?
ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર સેન્ટ્રલ રેલવે વર્કશૉપ સામે બુધવારે મોડી રાતે પોલીસે નાકાબંધી દરમ્યાન મૉડિફાઇડ સાઇલેન્સર લગાવનારા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા પચાસથી ૬૦ બાઇકસવારો સામે કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમ્યાન લક્ષ્મી કૉટેજ વિસ્તારમાંથી ૩૦થી ૪૦ યુવાનો રસ્તા પર આવ્યા હતા અને બન્ને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો સાથે હિંસક અફરાતફરા મચી ગઈ હતી. બન્ને પક્ષો દ્વારા સૂત્રોચ્ચાર અને ઝંડાની લાકડી વડે સામસામે હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક ઘર્ષણમાં અનેક યુવાનો તેમ જ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા ગયેલા પોલીસો ઈજાગ્રસ્ત થયા હતા. આ દરમ્યાન લક્ષ્મી કૉટેજ નજીક આવેલા ગણેશ કારખાના પાસે બૅનરો પણ ફાડવામાં આવ્યાં હોવાનું કહેવાય છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે KEM હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે હળવો લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરી નાખ્યું હતું અને સમગ્ર વિસ્તારમાં સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું.
વધારાનો પોલીસ-બંદોબસ્ત તહેનાત
હાલમાં લાલબાગ, પરેલ અને ચિંચપોકલી વિસ્તારમાં ગણેશોત્સવની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે અને મોટાં મંડળોની ગણેશમૂર્તિઓ મંડપમાં લાવવામાં આવી રહી છે. આ સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોમાં વધારાનો પોલીસ-બંદોબસ્ત તહેનાત કરી દેવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. હાલ આ વિસ્તારોમાં સંપૂર્ણ શાંતિ છે અને સિનિયર પોલીસ-અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.