25 November, 2025 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-ઈસ્ટની ગુરુકુલ જુનિયર કૉલેજમાં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા નાના ઝઘડાએ હિંસક સ્વરૂપ લીધું હતું. કૉલેજના ગેટ પર જ એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરીને તેને લોહીલુહાણ કર્યો હતો. ટીનેજર દ્વારા થતા આવા હુમલા ચિંતાનો વિષય છે, પણ કૉલેજમાં ચપ્પુ જેવું ધારદાર હથિયાર લઈને ફરતા વિદ્યાર્થીઓ વધુ ગંભીર મુદ્દો છે.
પંતનગર પોલીસે કહ્યું હતું કે ‘અસલ્ફા વિલેજમાં રહેતો વિદ્યાર્થી ગુરુકુલ કૉલેજમાં બારમા ધોરણમાં ભણે છે. તે શનિવારે સવારે કૉલેજ પહોંચ્યો ત્યારે તેના જ ક્લાસમાં ભણતા વિદ્યાર્થી સાથે તેનો કોઈ વાતે ઝઘડો થયો હતો. અન્ય મિત્રો વચ્ચે પડ્યા એટલે ત્યારે તો બન્ને શાંત થઈ ગયા હતા, પરંતુ કૉલેજ છૂટ્યા બાદ કૉલેજના ગેટ પર જ બીજા વિદ્યાર્થીએ પહેલા વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. વિદ્યાર્થીના ખભા અને પીઠ પર ચપ્પુના ઘા કર્યા બાદ હુમલાખોર વિદ્યાર્થી ત્યાંથી ભાગી ગયો હતો. સ્કૂલના ટીચર્સ અને સ્ટાફ ઘાયલ વિદ્યાર્થીને રાજાવાડી હૉસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેના ખભા પર પાંચ અને પીઠ પર ૬ ટાંકા લેવા પડ્યા હતા.’
ઘાયલ વિદ્યાર્થીએ પંતનગર
પોલીસ-સ્ટેશનમાં પોતાના પર થયેલા હુમલાની ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે હુમલાખોર વિદ્યાર્થીની અટકાયત કરી હતી, પણ તે ૧૬ વર્ષનો હોવાથી પોલીસે તેને અમુક કલાકમાં છોડી દીધો હતો. જોકે આ કેસમાં વધુ તપાસ હાથ ધરવાનું પંતનગર પોલીસે જણાવ્યું છે.