09 October, 2026 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુલાબજાંબુના બાઉલમાં તરી રહેલો ઉંદર.
ભિવંડીના શાંતિનગર રોડ પર આવેલી મીઠાઈની એક દુકાનમાં ગુલાબજાંબુ ભરેલા વાસણમાં જીવતો ઉંદર તરતો હોય એવો કથિત વિડિયો સામે આવતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ આ દુકાન સામે કાર્યવાહી શરૂ કરી છે.
‘હરીશ ગુલાબજામુન’ તરીકે ઓળખાતી આ દુકાન ભિવંડીના શાંતિનગર રોડ પર આવેલી છે. સોશ્યલ મીડિયા પર વિડિયો વાઇરલ થયા બાદ FDAએ બુધવારે દુકાનની તપાસ કરી હતી, લૅબ-ટેસ્ટિંગ માટે ગુલાબજાંબુનો નમૂનો લીધો હતો અને પંચનામું કર્યું હતું.
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં ગુલાબજાંબુ ભરેલા મોટા વાસણમાં એક જીવતો ઉંદર હલનચલન કરતો અને તરતો જોવા મળે છે. આ ફુટેજ ભિવંડીમાં ઝડપથી ફેલાઈ ગયું હતું, જેને કારણે ત્યાં જળવાતી સ્વચ્છતા અને સુરક્ષાનાં ધોરણો વિશે સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જન્મી હતી. વિડિયો વાઇરલ થયા બાદ સ્થાનિક રહેવાસીઓ દુકાન પર પહોંચ્યા હતા અને એને બંધ કરાવી દીધી હતી.
આ બનાવે ‘હરીશ ગુલાબજામુન’ના નામ હેઠળ ચાલતાં અન્ય આઉટલેટ્સમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાનાં ધોરણો વિશે પણ સવાલો ઊભા કર્યા છે. ભિવંડી શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં આ બ્રૅન્ડનાં લગભગ ૧૧ આઉટલેટ્સ આવેલાં છે.