✕

આપણે વડાપાંઉ ન ખાઈએ તો આપણું જીવન અટકી નહીં જાય

12 October, 2026 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટુડન્ટે સ્કૂલોમાં વડાપાંઉ પાછાં લાવવાની વિનંતી કરી, તુકારામ મુંઢેએ અકળાયા વગર તેને સમજ આપી

સ્કૂલમાં વડાપાંઉ ફરી ચાલુ કરવાની માગણી કરનાર છોકરાને તુકારામ મુંઢેએ પ્રેમથી સમજાવ્યો હતો.

સ્કૂલની કૅન્ટીનમાં વડાપાંઉ ન હોય એ વાત ઘણાં બાળકોને કદાચ ગમી નથી રહી. એક નાનકડા સ્ટુડન્ટે મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેને સ્કૂલની કૅન્ટીનમાં ફરીથી વડાપાંઉ ચાલુ કરવાની રિક્વેસ્ટ કરી હતી. ત્યારે તેમણે બહુ જ શાંતિથી તેને ખોરાક અને શારીરિક વિકાસ વિશેની સમજ આપી હતી. તેમની વાતચીતનો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયો છે જે સ્કૂલની કૅન્ટીનના ભોજનને વધુ પૌષ્ટિક બનાવવાના રાજ્યના પ્રયાસો તરફ ધ્યાન દોરે છે.

તે સ્ટુડન્ટે તુકારામ મુંઢે સમક્ષ સીધી અને સ્પષ્ટ રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘સ્કૂલમાં વડાપાંઉ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ હું અને મારા મિત્રો એને પાછાં લાવવા માગીએ છીએ. આ બાબતે તમારું શું કહેવું છે?’

તે ટેણિયાની માગણીને નકારી કાઢવાને બદલે કમિશનર તુકારામ મુંઢેએ સ્મિત સાથે સમજાવ્યું કે શા માટે બાળકોએ તેમના મનપસંદ નાસ્તાથી આગળ વધીને વિચારવાની જરૂર છે. તુકારામ મુંઢેએ બહુ શાંતિથી તેને કહ્યું, ‘જો આપણે વડાપાંઉ ન ખાઈએ તો આપણું જીવન અટકી નહીં જાય. ઊલટાનું જો તમે સારું અને પૌષ્ટિક ભોજન લેશો તો તમારો શારીરિક વિકાસ વધુ સારો થશે.’ 
તુકારામ મુંઢેનો જવાબ મક્કમ હતો, પરંતુ કઠોર નહોતો. આ વાતચીતે માતા-પિતા અને સ્કૂલો માટે એક જાણીતા પડકારને પણ ઉજાગર કર્યો અને બાળકોને એ સમજવામાં મદદ કરી કે શા માટે રોજિંદા ખોરાકની કેટલીક પસંદગીઓ વિશે ફરીથી વિચારવાની જરૂર છે.

તુકારામ મુંઢેએ સ્ટુડન્ટ્સને સલાહ આપી કે તેઓ ખૂબ તળેલા (ડીપ ફ્રાઇડ) નાસ્તા ખાવાનું ટાળે અને પૌષ્ટિક ખોરાક, ખાસ કરીને પ્રોટીનયુક્ત ખોરાક પર ધ્યાન આપે. 
મુદ્દો એ નથી કે એક વડાપાંઉ ખાવાથી બાળકને નુકસાન થશે. મહત્ત્વની બાબત એ છે કે ખાવાની એકંદર પદ્ધતિ કેવી છે અને કેટલી વાર બૅલૅન્સ્ડ ફૂડને બદલે ઓછો પોષણયુક્ત ખોરાક લેવામાં આવે છે. વાતચીત માત્ર વડાપાંઉ પૂરતી સીમિત નહોતી રહી. તે સ્ટુડન્ટે ચાઇનીઝ સ્ટ્રીટ-ફૂડ વિશે પણ પૂછ્યું હતું. ત્યારે તુકારામ મુંઢેએ તેને કૃત્રિમ રંગો અને રસાયણો વિશે ચેતવણી આપી જેનો ઉપયોગ કેટલીક વાનગીઓ બનાવવામાં થઈ શકે છે. તેમણે વિદ્યાર્થીને સ્વાદ કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી.

તુકારામ મુંઢેને MPSCના સચિવ બનાવી સંબંધિત મુદ્દાઓની જવાબદારી સોંપાશે

પુણેમાં મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC)ને લઈને ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનને ગંભીરતાથી લઈ ગઈ કાલે કરવામાં આવેલી એક મહત્ત્વપૂર્ણ જાહેરાતમાં મહારાષ્ટ્રના પ્રધાન શિવેન્દ્રરાજે ભોસલેએ જાહેર કર્યું કે તુકારામ મુંઢે MPSCના નવા સચિવ તરીકેનો કાર્યભાર સંભાળશે અને પરીક્ષાને લગતી સમસ્યાઓની તપાસ માટે રચાયેલા ઉચ્ચ-સ્તરીય તપાસ પંચનું નેતૃત્વ પણ કરશે. પુણેમાં પેપર-લીક, ભરતીમાં વિલંબ અને અૅડ્‍‌મિ‌નિસ્ટ્રે‌ટિવ ટ્રાન્સપરન્સીના મુદ્દે વિદ્યાર્થીઓનાં વ્યાપક આંદોલનો બાદ મહારાષ્ટ્ર સરકાર તપાસ સમિતિની રચના કરવા માટે સંમત થઈ હતી. ઉમેદવારો અને વિપક્ષના નેતાઓની પ્રબળ માગણીઓને પગલે સરકારે આ તપાસનું નેતૃત્વ કરવા માટે સત્તાવાર રીતે તુકારામ મુંઢેની નિમણૂક કરી છે. તુકારામ મુંઢે સચિવ તરીકેની નવી ભૂમિકા ભજવશે અને સાથે જ તપાસ સમિતિના વડા પણ રહેશે. અત્યાર સુધી ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તરીકે સેવા આપી રહ્યા હતા હવે પરીક્ષા પ્રણાલીમાં સુધારો કરવા અને એને સુવ્યવસ્થિત કરવા માટે MPSCના કાયમી સચિવ તરીકે કાર્યભાર સંભાળશે. 

mumbai news mumbai tukaram mundhe food and drug administration mumbai food