01 May, 2026 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાર-ઈસ્ટમાં મોટાં વ્હીકલ્સ એ બ્રિજ પર ન જાય એ માટે ત્યાં હાઇટ-બૅરિયર મૂકવામાં આવ્યું હતું
વિરારમાં કાઢી નખાયેલું હાઇટ-બૅરિયર ફરી પાછું વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC) દ્વારા મૂકવામાં આવતાં ગઈ કાલે એક જ દિવસમાં પાણીનું એક ટૅન્કર અને ગૅસ-સિલિન્ડર ભરેલો ટેમ્પો એની સાથે અથડાયાં હતાં. જોકે ગૅસ-સિલિડર ભરેલો ટેમ્પો અથડાયો હોવા છતાં નસીબજોગે આગ લાગી નહોતી કે ગૅસ-સિલિન્ડર ફાટ્યાં નહોતાં.
વિરાર ઈસ્ટ-વેસ્ટને જોડતા ફ્લાયઓવર પર ફક્ત લાઇટ મોટર વ્હીકલ્સને જવાની છૂટ છે એથી વિરાર-ઈસ્ટમાં મોટાં વ્હીકલ્સ એ બ્રિજ પર ન જાય એ માટે ત્યાં હાઇટ-બૅરિયર મૂકવામાં આવ્યું હતું. જોકે અકસ્માત થતા હોવાથી એને કાઢી લેવામાં આવ્યું હતું. હવે થોડા સમય પછી ફરી પાછું VVMCએ એ બૅરિયર લગાડતાં આ અકસ્માત થયા હતા. આમાં વાહન ચલાવનાર ડ્રાઇવરની ભૂલ હતી, પણ એવું કહેવાય છે કે VVMC દ્વારા આ હાઇટ-બૅરિયર ફરી પાછું લગાડ્યું હોવાની જાણ મોટરિસ્ટોને કરવામાં નહોતી આવી.