13 May, 2026 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૃત્યુ પામેલા આત્મરામ પાટીલ અને ઘટનાસ્થળ જ્યાં તેમની ગાડી નુકસાન થયું હતું.
વિરાર-ઈસ્ટના શિરગાવસ્થિત ગડગાપાડા ગામમાં ગઈ કાલે બપોરે એક વાગ્યે ૫૪ વર્ષના આત્મારામ પાટીલની ધોળા દિવસે નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ મામલે વિરાર પોલીસે હત્યાની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. છેલ્લાં ૧૫ વર્ષથી ગેરકાયદે પથ્થરની ખાણો અને ક્રશર મશીનો વિરુદ્ધ અવાજ ઉઠાવનારા રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) કાર્યકર આત્મારામ પાટીલની માઇનિંગ માફિયાઓ દ્વારા ધોળા દિવસે નિર્મમ હત્યા કરવામાં આવી છે. ગઈ કાલે તેઓ સરકારી અધિકારીઓ સાથે ગેરકાયદે ખનનસ્થળનું પંચનામું કરવા ગયા હતા ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ પેદા કર્યો છે અને માઇનિંગ માફિયાઓના વધતા વર્ચસ સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.