ચાર ઉમેદવારોને મત આપવો ફરજિયાત તો જ મતદાન-પ્રક્રિયા પૂરી ગણાશે

13 January, 2026 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેના મ્યુનિસિપલ કમિશનર સૌરભ રાવે કરી સ્પષ્ટતા

કમિશનર સૌરભ રાવે પત્રકારો સાથે વાત કરી

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની સામાન્ય ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા મતદાનની પ્રક્રિયાને લઈને મહત્ત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. પ્રત્યેક મતદારે વૉર્ડદીઠ નિયત સંખ્યા મુજબ મતદાન કરવું ફરજિયાત રહેશે, અન્યથા તેમની મતદાન-પ્રક્રિયા પૂરી ગણાશે નહીં એમ TMCના કમિશનર અને ચૂંટણી-અધિકારી સૌરભ રાવે ગઈ કાલે સ્પષ્ટ કર્યું હતું. TMC વિસ્તારને કુલ ૩૩ વૉર્ડમાં વિભાજિત કરવામાં આવ્યો છે જેમાં કુલ ૧૩૧ નગરસેવકો ચૂંટવામાં આવશે. મતદાન ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) દ્વારા થશે. દરેક વૉર્ડની બેઠકોને ‘અ’, ‘બ’, ‘ક’ અને ‘ડ’ એમ ચાર ભાગમાં વહેંચવામાં આવી છે જેના માટે અલગ-અલગ રંગની મતપત્રિકાઓ રાખવામાં આવશે. એમાં ‘અ’ બેઠક માટે સફેદ રંગ, ‘બ’ બેઠક માટે આછો ગુલાબી રંગ, ‘ક’ બેઠક માટે આછો પીળો રંગ અને ‘ડ’ બેઠક માટે આછો વાદળી રંગ છે.

બધા મત આપવા કેમ જરૂરી છે?
કમિશનર સૌરભ રાવે પત્રકારો સાથે વાત કરતાં સ્પષ્ટતા કરી હતી કે ‘જો કોઈ મતદાર એક, બે કે ત્રણ ઉમેદવારને મત આપીને બહાર નીકળવાનો પ્રયત્ન કરશે તો તેની પ્રક્રિયા અધૂરી ગણાશે. જ્યાં સુધી ચારેય (કે વૉર્ડ ૨૯માં ત્રણેય) મતો નોંધાશે નહીં ત્યાં સુધી EVMમાંથી બીપ (સીટી) જેવો અવાજ આવશે નહીં અને પ્રક્રિયા પૂરી નહીં થાય. જો કોઈ મતદારને કોઈ ઉમેદવાર પસંદ ન હોય તો તે નોટા (NOTA) વિકલ્પનો ઉપયોગ કરી શકે છે, પરંતુ મતદાન તો પૂરેપૂરું કરવું જ પડશે.’

ચૂંટણી-અધિકારીની અપીલ
ચૂંટણી-અધિકારીએ તમામ નાગરિકોને નિર્ભય થઈને અને જાગરૂકતા સાથે મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવાનું આહવાન કર્યું છે. અધૂરું મતદાન કરનારા મતદારોને મતદાનમથક પર હાજર અધિકારીઓ ફરી અંદર મોકલીને પ્રક્રિયા પૂરી કરાવશે એટલે મતદારોએ પહેલેથી જ માનસિક તૈયારી રાખવી જરૂરી છે.

મુંબઈ સિવાયનાં ૨૮ મ્યુનિસિપલ કૉર્પોરેશનોમાં હવે ‘ફોર-મેમ્બર’ વૉર્ડ-સિસ્ટમ

BMC સિવાયનાં રાજ્યનાં તમામ ૨૮ મ્યુનિસિપલ કૉર્પોરેશનોમાં ૪ સભ્યોની વૉર્ડ પદ્ધતિ (પૅનલ સિસ્ટમ) અમલમાં મૂકવામાં આવી છે જે હેઠળ કૉર્પોરેશનની કુલ બેઠકોની સંખ્યામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ નવી સિસ્ટમ મુજબ મતદારોએ હવે પોતાના વિસ્તારમાંથી એકને બદલે ૪ પ્રતિનિધિઓ પસંદ કરવાના રહેશે. માત્ર મુંબઈમાં જ જૂની એક વૉર્ડ, એક સભ્ય પદ્ધતિ યથાવત્ રાખવામાં આવી છે.

આંકડાબાજી 
કુલ મતદાર : ૧૬.૪ લાખ
વૉર્ડ : ૩૩ 
બેઠકો : ૧૩૧ 
૪ નગરસેવકો ધરાવતા વૉર્ડ : ૩૨
૩ નગરસેવકો ધરાવતા વૉર્ડ : ૧
કુલ ઉમેદવાર : ૬૪૯ 

૨૦૧૭ની ચૂંટણીમાં 
કઈ પાર્ટીને કેટલી બેઠક
શિવસેના – ૬૭, NCP – ૩૪
BJP – ૨૩, કૉન્ગ્રેસ  - ૩, AIMIM – ૨
અપક્ષ - ૨ 

mumbai news mumbai thane municipal corporation bmc election municipal elections political news