વસઈ-વિરારમાં ૩ દિવસમાં ૨૦,૫૩૨ ચોરસ ફુટ વિસ્તાર અતિક્રમણથી મુક્ત કરાયો

15 October, 2025 07:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિરાર-વેસ્ટમાં ૬૦૦ ફુટનું ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું આવ્યું

પ્રતીકાત્મક તસવીર

ગેરકાયદે અને જોખમી બાંધકામો સામે વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVCMC)એ ૧૧થી ૧૩ ઑક્ટોબર દરમ્યાન કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી અંતર્ગત કુલ ૨૦,૫૩૨ ચોરસ ફુટ જેટલા વિસ્તારને અતિક્રમણથી મુક્ત કરવામાં આવ્યો હતો અને તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં.

VVCMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ગેરકાયદે બાંધકામોને હટાવવા માટે ખાસ ટુકડીઓની રચના કરવામાં આવી હતી. એમાં દરેક વૉર્ડમાં એક સિનિયર ક્લર્ક અને ચાર જુનિયર એન્જિનિયરોએ ડિમોલિશન કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. આ અભિયાનમાં ગેરકાયદે બાંધકામો, અતિક્રમણો અને જોખમી ઇમારતોને શોધીને કાર્યવાહી કરવામાં આવી હતી.’ 

વિરાર-વેસ્ટમાં ૬૦૦ ફુટનું ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું આવ્યું. મોરેગાંવ નગીનદાસ પાડા, કંચન હાઈ સ્કૂલ, જ્ઞાનદીપ અને મોરેશ્વર સ્કૂલ તથા બજરંગનગર તળાવ નજીક નીલકંઠ બિલ્ડિંગ સહિતના વિસ્તારોમાં કુલ ૧૧૦૦ ચોરસ ફુટ જમીન પર ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.

૩ દિવસની કામગીરી દરમ્યાન VVCMCએ કુલ ૨૦,૫૩૨ ચોરસ ફુટના ગેરકાયદે અને જોખમી બાંધકામો દૂર કર્યાં હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે વસઈ-વિરાર ક્ષેત્રમાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા અને ગેરકાયદે બાંધકામોને રોકવા માટે આવી ઝુંબેશ તમામ વૉર્ડમાં ચાલુ રહેશે.

vasai virar city municipal corporation vasai virar mumbai news mumbai mumbai crime news mumbai police