13 November, 2025 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વડાલા-વેસ્ટના મેજર પરમેશ્વર રોડ પરની એક સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષના ગુજરાતી યુવકને પાર્ટટાઇમ કામ કરીને પૈસા કમાવાની લાલચ આપી ૧૨,૯૧,૭૨૯ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ સેન્ટ્રલ સાઇબર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. વેલ-એજ્યુકેટેડ અને હાલમાં સાઉથ બૉમ્બેની મોટી કૉલેજમાં અભ્યાસ કરતા યુવકનો વિશ્વાસ જીતવા સાઇબર ગઠિયાએ ગૂગલ પર રિવ્યુ આપવાનું કહીને ૨૦૦ રૂપિયા યુવકના બૅન્ક-ખાતામાં મોકલ્યા હતા. ત્યાર બાદ જુદાં-જુદાં કારણો આપીને યુવક પાસેથી ચારથી ૯ નવેમ્બર દરમ્યાન ૧૨,૯૧,૭૨૯ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
શું હતો ઘટનાક્રમ?
બીજી નવેમ્બરે યુવકને ઍડ્રિએન ક્વિલ્સ નામના ટેલિગ્રામ ગ્રુપમાં ઍડ કરવામાં આવ્યો હતો. એમાં મોહિની રાઠોડ નામની ગ્રુપ-ઍડ્મિન દ્વારા પાર્ટટાઇમ કામ કરીને મોટો પ્રૉફિટ કમાવા વિશે જાણકારી આપવામાં આવી હતી.
પાર્ટટાઇમ કામ શું છે એની જાણકારી મેળવવા ગુજરાતી યુવક દ્વારા મોહિનીનો સંપર્ક કરવામાં આવતાં તેણે જાણીતી રેસ્ટોરાંને ગૂગલ રિવ્યુ આપીને એક રિવ્યુ પાછળ ૨૦૦ રૂપિયા આપવામાં આવતા હોવાનો દાવો કર્યો હતો.
ગુજરાતી યુવક પાર્ટટાઇમ કામ કરવા તૈયાર થતાં તેને ટેલિગ્રામ પર એક લિન્ક મોકલવામાં આવી હતી જેના પર યુવકે સારા રિવ્યુ લખ્યા હતા. ત્યાર બાદ તેણે રિવ્યુ આપ્યા હોવાનો સ્ક્રીનશૉટ મોહિનીને મોકલ્યો હતો એટલે ૨૦૦ રૂપિયાના તેના બૅન્ક-ખાતામાં મોકલી આપવામાં આવ્યા હતા.
૨૦૦ રૂપિયા મળ્યા હોવાથી યુવકને મોહિની પર વિશ્વાસ બેસી ગયો હતો. ત્યાર બાદ વધારે પૈસા કમાવા માટે પહેલાં ઇન્વેસ્ટ કરવા પડશે એમ કહીને ચારથી ૯ નવેમ્બર દરમ્યાન ૧૨,૯૧,૭૨૯ રૂપિયા લેવામાં આવ્યા હતા. જોકે પછી પોતે ઇન્વેસ્ટ કરેલા પૈસા અને પ્રૉફિટની રકમ પાછી મેળવવા જતાં પૈસા પાછા મળ્યા નહોતા. અંતે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.