20 December, 2025 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વડાલામાં એક ચોંકાવનારી ઘટના બની છે. ૪૫ વર્ષની એક મહિલાએ તેના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. એ ઘટનામાં અજુગતું એ બન્યું હતું કે મહિલાનો દિયર એ વખતે તેની સામે જ હતો અને તેણે તેને બચાવવાનો કોઈ પ્રયાસ નહોતો કર્યો. એ વખતે મહિલાની દીકરી ઘરે આવી ગઈ હતી અને અનેક વાર દરવાજો ખખડાવ્યા છતાં કાકાએ દરવાજો ખોલ્યો નહોતો. વડાલા ટ્રક ટર્મિનસ પોલીસ-સ્ટેશને આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
આ પરિવાર પ્રતીક્ષાનગરમાં રહે છે. શનિવારે ૨૫ વર્ષની યુવતી અને તેના પપ્પા બન્ને નોકરીએ ગયાં હતાં. ઘરે યુવતીના દૂરના કાકા અને તેની મમ્મી એકલાં હતાં. સાંજે જ્યારે યુવતી કામ પરથી ઘરે આવી ત્યારે તેણે દરવાજો ખખડાવ્યો હતો પણ દરવાજો ખૂલ્યો નહોતો. તેણે વારંવાર દરવાજો ખોલવાનું કહ્યું તો કાકાએ કહ્યું કે દરવાજો જૅમ થઈ ગયો છે, ખૂલતો નથી. એ પછી યુવતીએ પાડોશીને જાણ કરતાં તેઓ ભેગા થઈ ગયા હતા. થોડી વાર બાદ કાકાએ દરવાજો ખોલ્યો ત્યારે બધા ચોંકી ઊઠ્યા હતા. યુવતીની મમ્મી નિર્વસ્ત્ર હાલતમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. યુવતીનો કાકો સામે જ ગુમસુમ થઈને બેઠો હતો. જ્યારે તેને કારણ વિશે પૂછ્યું તો તે કાંઈ કહી શક્યો નહોતો. જોકે એ પછી જ્યારે યુવતીએ મમ્મીનો મોબાઇલ ચેક કર્યો ત્યારે જાણ થઈ હતી કે યુવતીની મમ્મી અને કાકા વચ્ચે અનૈતિક સંબંધ હતા. એની જાણ તેમની ચૅટ પરથી થઈ હતી. એ પછી કોઈ વાતે વિવાદ વધતાં મહિલાએ જીવન ટૂંકાવી દીધું હતું.
ઘટનાની ગંભીરતા જોતાં યુવતીએ તરત જ વડાલા TT પોલીસને જાણ કરી હતી અને કાકા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વડાલા TT પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર મનીષ આવળેએ ‘મિડ-ડે’ ને કહ્યું હતું કે ‘આ કેસમાં મૃત્યુ પામેલી મહિલા અને તેને બચાવવાની કોશિશ ન કરનાર આરોપી વચ્ચે ૭ વર્ષથી અનૈતિક સંબંધ હતા. યુવતીના કાકાનાં એપ્રિલમાં લગ્ન થવાનાં હતાં એથી મહિલા વ્યથિત અને માનસિક તાણમાં હતી. મહિલાનું કહેવું હતું કે તેણે અન્ય યુવતી સાથે લગ્ન ન કરવાં જોઈએ. આ જ કારણસર તેણે માનસિક તાણમાં આવી જઈને આત્મહત્યા કરી હતી. આરોપી યુવક તેની સામે જ હતો, પણ તેણે તેને બચાવવાની કોઈ કોશિશ ન કરી હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે.’