જનતાનાં નાણાંનો બગાડ

26 November, 2022 08:42 AM IST  |  Mumbai | Mehul Jethva

થાણે સુધરાઈ પાંચેક મહિના પહેલાં જ કરાયેલાં પેઇન્ટિંગ્સ ભૂંસીને એ જ જગ્યાએ ફરી પેઇન્ટિંગ્સ કરી રહી છે : અધિકારીઓના આશીર્વાદથી થયો લાખો રૂપિયાનો વેડફાટ

થાણેમાં અનેક રસ્તાઓ પર પૈસાનો વેડફાટ કરી ફરી પાછાં બનાવવામાં આવી રહ્યાં છે પેન્ટિંગ્સ.


મુંબઈ ઃ સમગ્ર થાણે શહેરમાં કરોડો રૂપિયાનાં વૉલ પેઇન્ટિંગ્સ, અન્ય પેઇન્ટિંગ્સ અને બ્યુટિફિકેશનનાં કામ ઝડપથી ચાલી રહ્યાં છે. જોકે આ પેઇન્ટિંગનાં કામ દરમ્યાન કેટલીક જગ્યાએ સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૨ હેઠળ માત્ર પાંચથી છ મહિના પહેલાં જ કરાયેલાં પેઇન્ટિંગ્સ જે હાલમાં સારી હાલતમાં છે એમને પ્રેશર ગન વડે પાણીથી ફાયર કરીને એ જગ્યાએ ફરીથી પેઇન્ટિંગ્સ કરવામાં આવી રહ્યાં છે. થાણે સુધરાઈના સંબંધિત અધિકારીઓનું પેઇન્ટિંગ વિશે ધ્યાન દોરવા છતાં તેમના તરફથી કોઈ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નહોતું. આ બધું જોઈને એવું ચિત્ર સામે આવે છે કે સત્તાધીશો જાણીજોઈને આ બાબતની અવગણના કરી રહ્યા છે. 
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૨ હેઠળ આશરે પાંચથી છ મહિના પહેલાં થાણેના કેટલાક રસ્તાઓ, ગાર્ડન વૉલ, હાઇવે પરની દીવાલો પર લાખો રૂપિયાનો ખર્ચ કરી રંગોળી અને ચિત્રો બનાવવામાં આવ્યાં હતાં, જે હાલમાં પણ સારી સ્થિતિમાં જોવા મળે છે. જોકે સુધરાઈએ ગયા મહિને થાણેમાં બ્યુટિફિકેશન માટે ૧૦૦ કરોડ રૂપિયાનું બજેટ પાસ કર્યું હતું, જે અંતર્ગત થાણેમાં હાઇવેની દીવાલો, આંતરિક રસ્તાઓ, વૉલ પેઇન્ટિંગ જેવાં કાર્યો હાથ ધરવામાં આવ્યાં છે. આ પૈસાને ખર્ચવા માટે થાણેમાં આશરે સાતથી આઠ રસ્તાઓ પર સારી પરિસ્થિતિમાં રહેલાં પેઇન્ટિંગ્સને કાઢીને એની જગ્યા પર ફરી પેઇન્ટિંગ્સ કરવામાં આવી રહ્યાં છે જેનો વિરોધ જનતા કરી રહી છે.
સામાજિક કાર્યકર રાહુલ પિંગલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર અભિજિત બાંગરને પુરાવાના ફોટોગ્રાફ્સ સાથે પત્ર લખીને અનેક રસ્તા પર થઈ રહેલી પૈસાની બરબાદી વિશે જાણ કરી છે. એની સાથે કૉન્ટ્રૅક્ટરને મદદ કરનારા અધિકારીઓ અને કૉન્ટ્રૅક્ટરો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવી માગણી પણ કરી છે. આ પેઇન્ટિંગ્સને રંગવાની પ્રક્રિયામાં નાગરિકોનાં ટૅક્સનાં નાણાંનો વેડફાટ થતો હોવાથી કાયદાકીય પ્રક્રિયામાં થયેલી ગેરરીતિની તપાસ થવી જોઈએ અને સારી પેઇન્ટિંગ્સને ફરીથી રંગવા માટે કૉન્ટ્રૅક્ટરોને ચુકવણી કરવી જોઈએ નહીં એવી પણ મેં કમિશનર પાસે માગણી કરી છે. સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૨ હેઠળ થયેલાં અને સારી સ્થિતિમાં રહેલાં ચિત્રો ફરીથી દોરવાં જોઈએ નહીં. પેઇન્ટિંગ કરતી વખતે પેઇન્ટિંગ કંપનીનું નામ અને એની તારીખનો ઉલ્લેખ કરવો જોઈએ, જેથી નાગરિકોના ધ્યાનમાં રહે કે આ પેઇન્ટિંગ ક્યારે કરવામાં આવ્યું છે.’
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના મેઇન્ટેનન્સ ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ એન્જિનિયર વિકાસ ઢોલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે હાલમાં જે વિસ્તારમાં પેઇન્ટિંગ્સ ખરાબ છે ત્યાં ફરીથી કરવામાં આવી રહ્યાં છે. 
તેમને અનેક જગ્યામાં સારી હાલતમાં રહેલાં પેઇન્ટિંગ્સ પણ ફરી કરાવવામાં આવી રહ્યાં છે? એવો સવાલ કરવામાં આવતાં તેમણે જવાબ આપવાનું 
ટાળ્યું હતું.

mumbai thane