06 May, 2026 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડોકડિયા પરિવાર
પાયધુનીમાં ડોકડિયા પરિવારના ચાર સભ્યોનાં મોતથી સમગ્ર મુંબઈ હચમચી ગયું છે. આ કેસની તપાસ ચાલી રહી છે ત્યારે હવે એક મહત્ત્વની માહિતી મળી છે. ડોકડિયા પરિવારના સભ્યોને યોગ્ય ટ્રીટમેન્ટ આપવામાં લગભગ સાડાપાંચ કલાકનો વિલંબ થયો હતો એવું ફૉરેન્સિક અને મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતો વચ્ચેની પ્રાથમિક ચર્ચામાંથી બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મધરાતે તરબૂચ ખાધા પછી વહેલી સવારથી પરિવારના ચારેચાર સભ્યોને પેટમાં દુખાવો, ઊલટી અને ઝાડા થવા માંડ્યાં હતાં. શરૂઆતમાં તેમણે સ્થાનિક ડૉક્ટરો પાસેથી પ્રાથમિક સારવાર લીધી હતી જેનાથી તેમને થોડા સમય માટે રાહત મળી હતી. થોડા સમય પછી તેમની હાલત ફરી બગડી હતી. ગંભીર હાલતમાં હોવા છતાં તાત્કાલિક હૉસ્પિટલ જવાને બદલે તેઓ ઘરે જ રહ્યા હતા. અંતે જ્યારે તેમની હાલત કાબૂની બહાર જતી રહી ત્યારે તેમને સવારે ૧૧થી ૧૨.૪૫ વાગ્યા વચ્ચે જે. જે. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.
ગોલ્ડન અવર એટલે કે ઇમર્જન્સી સારવારનો પહેલો કલાક તબીબી ક્ષેત્રમાં ખૂબ મહત્ત્વનો માનવામાં આવે છે. જો એ સમયગાળા દરમ્યાન સારવાર ન મળે તો શરીરમાં ઝેરનાં લક્ષણ વધુ ગંભીર બને છે. ડોકડિયા પરિવારના કિસ્સામાં સારવારમાં સાડાપાંચ કલાકના વિલંબથી તેમના જીવ ગયા હોવાની શંકા થઈ રહી છે.
ટૉક્સિકોલૉજી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે
જે. જે. માર્ગ પોલીસ કેસની સંપૂર્ણ તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે ‘અત્યારે આ કેસમાં ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધવામાં આવ્યો છે અને લગભગ એક ડઝન લોકોનાં નિવેદન નોંધવામાં આવ્યાં છે. તેમના શરીરમાં ઝેરી પદાર્થ, આલ્કોહોલ કે અન્ય ટૉક્સિક પદાર્થોની હાજરીની પુષ્ટિ કરતો ટૉક્સિકોલૉજી રિપોર્ટ આવ્યા પછી જ તેમનાં મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. રિપોર્ટ મળતાંની સાથે જ આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’