અમે બોર્ડ લગાડી શકીએ, રિક્વેસ્ટ કરી શકીએ; પણ જબરદસ્તી નહીં

29 November, 2021 10:32 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

રિક્ષા અને ટૅક્સી યુનિયનના લીડરનું કહેવું છે કે આ ગાઇડલાઇન્સનું પાલન કરવું અને કરાવવું બહુ અઘરું છે, જ્યારે બેસ્ટના ડેપ્યુટી પીઆરઓએ કહ્યું હતું કે આ સરકારી આદેશ છે એટલે એ પાળવો તો પડશે જ

એ. એલ. ક્વૉડ્રોસ, શશાંક રાવ

રાજ્ય સરકારે કોરોનાના નવા વેરિઅન્ટ ઑમિક્રૉનને નજરમાં રાખીને સાવચેતીની દૃષ્ટિએ કેટલીક ગાઇડલાઇન્સ બહાર પાડી છે. એમાં જણાવ્યું છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે ટ્રેન, બસ, રિક્ષા અને ટૅક્સીમાં જે લોકોએ વૅક્સિનના બે ડોઝ લીધા છે તેમને જ પ્રવાસ કરવા મળશે. એટલું જ નહીં, જો પૅસેન્જરે માસ્ક નહીં પહેર્યો હોય તો રિક્ષા કે ટૅક્સી-ડ્રાઇવરે દંડ ચૂકવવો પડશે. હવે રિક્ષા અને ટૅક્સીમાં પ્રવાસ કરવા માગતા પૅસેન્જરને તેણે બે ડોઝ લીધા છે કે નહીં એવું કેટલા રિક્ષા-ડ્રાઇવર કે ટૅક્સી-ડ્રાઇવર પૂછશે? સમજો કે તે પૅસેન્જરે બે ડોઝ નહીં લીધા હોય તો શું તે ભાડું જવા દેશે કે પછી પૅસેન્જરને બેસાડશે? કેટલા પૅસેન્જરો તેમનું બે ડોઝનું સર્ટિફિકેટ તેમને બતાવવાની દરકાર કરશે? સરકારે ગાઇડલાઇન્સ  બહાર પાડી છે, પણ શું એ પ્રૅક્ટિકલ છે ખરી? એવો સવાલ હાલ મુંબઈગરાઓમાં ચર્ચાઈ રહ્યો છે. 
રિક્ષા યુનિયનના નેતા શશાંક રાવે આ સંદર્ભે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જો પૅસેન્જરે માસ્ક ન પહેર્યો હોય તો રિક્ષા-ડ્રાઇવરને દંડ એવું કઈ રીતે ચલાવી લેવાય? રિક્ષા-ડ્રાઇવર રિક્ષા ચલાવતી વખતે પાછળ કઈ રીતે જુએ કે પૅસેન્જરે માસ્ક પહેર્યો છે કે નહીં? આ તો બીએમસીના માર્શલ્સ અથવા ઇન્સ્પેક્ટર્સ માટે વસૂલીનું માધ્યમ બની જશે અને બેફામ ભ્રષ્ટાચાર થશે. કોવિડને કાબૂમાં લેવો એ સરકારનું કામ છે એ બરોબર, એના માટે સાવચેતી રાખવી એ પણ યોગ્ય છે; પણ પૅસેન્જરે જો માસ્ક ન પહેર્યો હોય તો એનો દંડ પૅસેન્જર પાસેથી લેવાવો જોઈએ, રિક્ષાવાળાને દંડવાનું કોઈ કારણ નથી. એ જવાબદારી પૅસેન્જરની છે. બસમાં કે ટ્રેનમાં કોઈએ માસ્ક ન પહેર્યો હોય તો શું તમે ડ્રાઇવર, કન્ડક્ટર કે પછી ટ્રેનના મોટરમૅન પાસેથી એનો દંડ વસૂલ કરો છો? નહીંને? તો પછી રિક્ષા-ડ્રાઇવરે શું કામ દંડ ભરવો જોઈએ? આ સંદર્ભે અમે આવતી કાલે સરકારને પત્ર લખીને અમારી મુશ્કેલીઓ અને સમસ્યાઓ જણાવવાના છીએ.’
ટૅક્સી યુનિયનના નેતા એ. એલ. ક્વૉડ્રોસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પ્રૅક્ટિકલ નથી. પૅસેન્જરો રુડ હોય છે. તેઓ ડ્રાઇવરને ધમકાવશે. તેઓ માનશે નહીં. તેઓ કહેશે કે માસ્ક પહેરવો કે નહીં એ મારે જોવાનું છે; પકડશે તો હું ફાઇન ભરીશ, તારે શું છે; તું ટૅક્સી ચલાવ. આ ગાઇડલાઇન્સનું પાલન કરવું અને કરાવવું બહુ અઘરું છે. જો પાલન કરાવવું જ હોય તો દરેક ટૅક્સીમાં એક પોલીસે બેસવું પડશે. ટ્રેનમાં જાવ કે માર્કેટમાં જાવ, ઘણા લોકો કોવિડના નિયમો નથી પાળતા. અમે વધુમાં વધુ ટૅક્સીમાં બોર્ડ લગાડી શકીએ કે નો માસ્ક નો એન્ટ્રી અથવા તો પૅસેન્જરને રિક્વેસ્ટ કરી શકીએ. તેમને જબરદસ્તી ન કરી શકીએ. ઘણા પૅસેન્જરો તો ચાકુ લઈને બેસતા હોય છે. જો તે અમારા ટૅક્સી-ડ્રાઇવર પર હુમલો કરી દે તો? અમારા ડ્રાઇવરની સિક્યૉરિટીનું શું? આ સંદર્ભે તમે પૅસેન્જરને દંડ કરી શકો, ટૅક્સી-ડ્રાઇવરને નહીં. એથી આ બાબતે અમે સરકારને રજૂઆત કરીશું.’  
બેસ્ટની બસો હવે મોટા ભાગે એસી થઈ ગઈ છે ત્યારે ઑલરેડી બસની અંદર કન્ડક્ટર આખા રૂટ દરમિયાન સાથે ન રહેતાં માત્ર કેટલાંક ગણતરીનાં સ્ટૉપ પર જ ઊભા રહે છે. એને કારણે દરેક પૅસેન્જરને ટિકિટ ઇશ્યુ કરવામાં ટાઇમ લાગે છે. ત્યારે આ બે ડોઝનું સર્ટિફિકેટ જોઈને જ પ્રવાસીને એન્ટ્રી આપવાની ગાઇડલાઇનનું પાલન કરવામાં વધુ સમય લાગે એમ છે. આ સંદર્ભે બેસ્ટના ડેપ્યુટી પીઆરઓ મનોજ વરાડેને પૂછવામાં આવ્યું કે કોઈનું નેટવર્ક ન પકડાય, કોઈને સર્ટિફિકેટ બતાવવામાં વાર લાગે એટલે લાઇનમાં ઊભેલા પાછળવાળા પૅસેન્જરો અકળાઈ પણ જાય ત્યારે આ પ્રૅક્ટિકલ છે ખરું? તમે કઈ રીતે આ નિયમને અમલમાં મૂકશો? ત્યારે તેમણે કહ્યું હતું કે ‘આ સરકારી આદેશ છે એટલે એ પાળવાનો તો છે જ. રેલવેએ એક સારું કર્યું છે કે હવે જેમણે બે ડોઝ લીધા હોય તેમને જ પ્રવાસ કરવાની પરવાનગી આપી છે. પહેલાં એસેન્શિયલ સર્વિસિસને જે પરવાનગી હતી એ બંધ કરી દેવાઈ છે. જે રીતે રેલવેમાં બે ડોઝ લીધાનું સર્ટિફિકેટ મોબાઇલમાં ચેક કરાય છે એ રીતે અમે પણ કન્ડક્ટરોને મોબાઇલમાં બે ડોઝ લીધાનું સર્ટિફિકેટ ચેક કરવાની સૂચના આપી છે. વળી માસ્ક તો કમ્પલ્સરી છે જ. કોરોના હજી ગયો નથી. નવો વેરિએન્ટ આવ્યો છે. લોકો પણ હવે સમજે છે. મુંબઈગરા કો-ઑપરેટ કરે છે.’ 

Mumbai mumbai news bakulesh trivedi