23 October, 2025 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
લોકલ ટ્રેનો તો મુંબઈની લાઈફલાઈન ગણાય છે. રોજ હજારો મુંબઈગરા લોકલમાં પ્રવાસ કરે છે. તાજતેરમાં જ પશ્ચિમ રેલવે (Western Railway)ના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝને ૨૨મી ઓક્ટોબરે એક સિદ્ધિ હાંસલ કરી છે. તમને જણાવી દઈએ કે રોજ મેઇલ-એક્સપ્રેસ ટ્રેનો માટે ૧૦૦ ટકા સમયપાલન નોંધાવીને મુંબઈ સેન્ટ્રલ ડિવિઝને એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે એમ અધિકારીઓએ આજે માહિતી શેર કરી હતી. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક આ બાબતે જણાવે છે કે ડિવિઝનને પહેલેથી જ અતિવ્યસ્ત નેટવર્ક પર ઘણી બધી દિવાળી-છઠ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોના સંચાલન વચ્ચે આ નોંધપાત્ર સિદ્ધિ મળી છે જે બહુજ ગર્વની વાત કહેવાય.
અનેક પડકારો વચ્ચે ખુબ જ ઝીણવટભર્યું આયોજન, અવિરત સંકલન અને નિષ્ઠાવાન ટીમવર્ક હોય તો જ આ પ્રમાણે સમયપાલન થઇ શકે છે. મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન (Western Railway) એ દેશની સૌથી વ્યસ્ત અને અટપટી પેસેન્જર કામગીરીઓમાંથી એકનું સંચાલન કરે છે. જે 600 રૂટ કિલોમીટરથી વધુના નેટવર્કમાં દરરોજ 1,400થી વધુ લોકલ ટ્રેનો અને લગભગ ૧૫૦ મેલ/એક્સપ્રેસ ટ્રેનો દોડાવે છે. પશ્ચિમ રેલવેએ આ સિદ્ધિ બાદ જણાવ્યું હતું કે આ સિદ્ધિ માત્ર ને માત્ર તેના કર્મચારીઓની નિષ્ઠા અને સમર્પણને કારણે જ છે. તે કર્મચારીઓની સલામત, કાર્યક્ષમ અને વિશ્વસનીય સર્વિસ આપવાની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
આ સિદ્ધિ સાથે જ ફરી પશ્ચિમ રેલવે તેના તમામ મુસાફરોને સલામત, કાર્યક્ષમ અને વિશ્વસનીય સેવાઓ પૂરી પાડવા માટે તેની અતૂટ પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. આ સિદ્ધિ પશ્ચિમ રેલવેના પ્રતિબદ્ધ કર્મચારીઓના સહિયારા પ્રયાસો, કામ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણનો પુરાવો છે.
આ સાથે જ તમને જણાવી દઈએ કે પશ્ચિમ રેલવેના ટોચના અધિકારીઓએ ભીડ નિયંત્રણની તૈયારીઓની સમીક્ષા કરવા બાંદ્રા ટર્મિનસની મુલાકાત લીધી હતી. દિવાળી અને છઠ પૂજા દરમિયાન ટ્રેનોમાં ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે (Western Railway)ના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાએ ઉચ્ચ અધિકારીઓ સાથે મંગળવારે બાંદ્રા ટર્મિનસની મુલાકાત લીધી હતી અને તહેવારોની સીઝનમાં પ્રવાસીઓની ભીડને પહોંચી વળવા કરવામાં આવેલી તૈયારીઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. વિવેક કુમાર ગુપ્તાની સાથે નિરીક્ષણ દરમિયાન પશ્ચિમ રેલવે મુખ્યાલય અને મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા, જેમાં કોન્કોર્સ, વેઇટિંગ હોલ, ટિકિટ કાઉન્ટર, હોલ્ડિંગ એરિયા અને ફરતા વિસ્તારો જેવા વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા.
ગુપ્તાએ (Western Railway) જણાવ્યું હતું કે ભારતીય રેલવે તહેવારો દરમિયાન પ્રવાસીઓની યાત્રા સુખદ બને તે માટે વિશેષ ટ્રેનોની ૧૨૦૦૦થી વધુ ટ્રિપ્સ ચલાવી રહી છે. માત્ર પશ્ચિમ રેલવે જ ૨૪૦૦થી વધુ ટ્રિપ્સ ચલાવે છે, જેમાં લગભગ ૮૦ પેઈર વિશેષ ટ્રેનો છે, જે મોટાભાગે ઉત્તર તરફ જતી હોય છે. તેમાંથી ગુજરાતમાંથી 1,586, મહારાષ્ટ્રમાંથી 738 અને મધ્યપ્રદેશમાંથી 90 સેવાઓ છે. જેમાં લગભગ 50 અનારક્ષિત વિશેષ ટ્રેન યાત્રાઓ સામેલ છે.