અમારી લોકલ પાછી આપો

04 October, 2022 01:03 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

વેસ્ટર્ન રેલવેની એસી લોકલ ટ્રેન-સર્વિસના ટાઇમટેબલમાં ફેરફાર થતાં પૅસેન્જરોમાં ફેલાયો રોષ : નવા મહિનાના પ્રથમ વર્કિંગ ડેએ ઘણા પૅસેન્જરો ઑફિસ મોડા પહોંચ્યા

ફાઇલ તસવીર

સ્ટર્ન રેલવેએ ટાઇમટેબલમાં ફેરફાર કરતાં સોમવારે સવારે કામ પર જવા નીકળેલા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને વેસ્ટર્ન રેલવેના રૂટ પર અરાજકતા ફેલાઈ ગઈ હતી. ચાલુ વર્ષના પ્રારંભમાં સેન્ટ્રલ રેલવેના પ્રવાસીઓએ આવી જ હાડમારીનો સામનો કરવો પડ્યો હતો, પણ સબર્બન રેલવેએ એના પરથી કોઈ બોધપાઠ લીધો નહોતો.

વેસ્ટર્ન રેલવેના એક પ્રવાસીએ સવાલ કર્યો હતો કે ‘આવા ફેરફાર કરવાની શું જરૂર હતી અને એ પણ લોકોને સારાએવા સમય પહેલાં જાણ કર્યા વિના?’ 

વેસ્ટર્ન રેલવેએ ટાઇમટેબલમાં કરેલા ફેરફારથી લોકોમાં નારાજગી ફેલાઈ ગઈ છે. સોમવારે સવારે ૭.૫૪ વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ લોકલ કૅન્સલ અને રીશિડ્યુલ થવાના મામલે પ્રવાસીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ૧,૩૦૦ મુસાફરોના હસ્તાક્ષર સાથેની યાચિકા વેસ્ટર્ન રેલવે ઑથોરિટીને સુપરત કરવામાં આવી છે.

પ્રથમેશ સાવંત નામના પ્રવાસીએ સવાલ કર્યો હતો કે ‘સવારે ૯.૩૦ વાગ્યે ઑફિસે પહોંચનારા લોકો માટે બોરીવલી-ચર્ચગેટની ૭.૫૪ વાગ્યાની એસી લોકલ સેવા એકદમ સુવિધાજનક હતી, પણ એને અચાનક જ રદ કરી દેવાઈ. આવી મહત્ત્વની સેવા બંધ કરવાનો વિચાર કોને સૂઝ્યો?’

વિરારથી પ્રભાદેવીનો પ્રવાસ કરનારા પબ્લિસિસ્ટ આશિષ દ્વિવેદીએ જણાવ્યું હતું કે ‘પૅસેન્જરોને સારાએવા સમય પહેલાં જાણ કરવા બાબતે રેલવેએ તકેદારી દાખવવી જોઈએ. આદર્શ રીત એ છે કે સમયપત્રક અમલીકરણનાં બે અઠવાડિયાં પહેલાં રજૂ થવું જોઈએ, જેથી લોકો તેમનો રોજિંદો પ્રવાસ એ પ્રમાણે ઍડ્જસ્ટ કરી શકે.’

વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમીત ઠાકુરે જણાવ્યું હતું કે ‘અમે ફરિયાદની નોંધ લીધી છે. અમે સવારના પીક-અવર્સમાં બોરીવલીથી સવારે ૮.૨૬ વાગ્યાની અને સવારે ૧૦.૧૬ વાગ્યાની બે ટ્રેનસેવાને સામેલ કરી છે. ડિમાન્ડને ધ્યાનમાં રાખીને અન્ય સેવાઓ વિરાર સુધી લંબાવાઈ છે. ટૂંક સમયમાં વધુ એક એસી ટ્રેન મળવાની છે. નવી ટ્રેન મળ્યા પછી ગ્રાહકોની માગને કેવી રીતે પહોંચી વળવું એના પર અમે ધ્યાન આપીશું.’

કલ્યાણ-સીએસએમટી એસી લોકલમાં વર્ષા

શહેર કોરુંધાકોર છે ત્યારે સેન્ટ્રલ રેલવેના પૅસેન્જરોને કલ્યાણ-સીએસએમટી એસી લોકલમાં વરસાદનો અનુભવ થયો હતો. મહિલા કોચની છત લીક થતી હતી અને પાણીનો ભારે મારો થતો હોવાથી પ્રવાસીઓને અસુવિધા થઈ હોવાનું એક પૅસેન્જર શીલા મલિકે જણાવ્યું હતું. સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘કે-૩૬ ટ્રેનના એક કોચ (નંબર ૭૦૬૬બી)ના એસી ડક્ટમાં લીકેજ હતું. ટેમ્પરેચર સેન્સરમાં ખામી સર્જાતાં કદાચ આવું થયું હોઈ શકે. એનું તત્કાળ રિપેરિંગ કરાયું હતું. કારશેડ પર ડેટા ડાઉનલોડ કરીને આ મામલે તપાસ કરાઈ રહી છે.’ એને કારણે સેન્ટ્રલ રેલવેની કેટલીક સાંજની એસી સેવાઓ રદ કરવામાં આવી હતી.

mumbai mumbai news mumbai local train western railway rajendra aklekar